Comments

આપણે વર્ષે દહાડે દોઢ લાખ કરોડનું ખાદ્યતેલ આયાત કરીએ છીએ, માન્યામાં આવે છે તમને?

વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ આવનાર સમયમાં ચેપી રોગો નહીં પણ જીવનપદ્ધતિના રોગો માણસને વધુ ને વધુ પ્રમાણમાં મોતને ઘાટ ઊતારવા માટે જવાબદાર હશે. આ જીવનપદ્ધતિના રોગો એટલે આપણી ટેવોને કારણે જેમને કંકોતરી લખીને નિમંત્રણ આપીએ છીએ તેવા રોગો. જીવનપદ્ધતિમાં આ બદલાવને પરિણામે આપણે આપણી જિંદગીમાં તણાવ, અનિદ્રા, એસિડિટી, અપચો તેમજ ત્યાંથી આગળ વિસ્તરીને બ્લડપ્રેસર, ડાયાબિટીસ તેમજ લકવો જેવા રોગોનો સમાવેશ થાય. મુખ્યત્વે બેઠાડુ જીવનપદ્ધતિ, કસરતનો અભાવ તેમજ બીડી, તમાકુ, સિગરેટ, આલ્કોહોલ જેવાં વ્યસનો, ખાણીપીણીની ખોટી ટેવો વગેરે જીવનપદ્ધતિ આધારિત રોગો માટે કારણભૂત ગણી શકાય.

આજે ખોરાક અંગેની વાત કરવી છે. અગાઉની સરખામણીમાં આપણે વધુ ને વધુ પ્રમાણમાં તળેલા પદાર્થો ખાઈએ છીએ. તેને પરિણામે લોહીની નળીઓ બ્લોક થવી, ઉપરાંત બીજાં કેટલાંક પરિબળો સાથે ભળે ત્યારે યુવાન ઉંમરે હૃદયરોગનો શિકાર વધુ ને વધુ લોકો બનતાં જાય છે. તે પાછળનું એક કારણ વધુ ને વધુ તળેલા પદાર્થોનું સેવન આપણી જીવનપદ્ધતિમાં અપનાવ્યું છે તે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં ખાદ્યતેલના વપરાશમાં ખૂબ મોટો વધારો થયો છે. માથાદીઠ વપરાશ બમણો અથવા તેથી પણ વધારે થયો હોવાનું જણાય છે. આમ થવાને પરિણામે ભારત ખાદ્યતેલની આયાત પર વર્ષે દોઢ લાખ કરોડ જેટલો ઊંચો ખર્ચ કરે છે. આ આયાતનિર્ભરતા કઈ રીતે ઘટાડવી અને ઘરેલું ઉત્પાદન કઈ રીતે વધારવું તે આજની તેમજ આવનાર સરકારો સામે શિરોવેદનારૂપ પ્રશ્ન બનશે એમાં કોઈ શંકા નથી. મૂળ પ્રશ્ન એ છે કે, ભારતમાં ખાદ્યતેલની માંગ ૨૦૦૦ની સાલમાં માત્ર ૧૦ કિલો પ્રતિવ્યક્તિ હતી તે છેલ્લાં ૨૫ વર્ષમાં બમણી કરતાં પણ વધુ થઈને ૨૦થી ૨૧ કિલો પ્રતિ વ્યક્તિ જેટલી વધી કેમ ગઈ?

જો કે ખાદ્ય તેલોના વૈશ્વિક વપરાશની સરેરાશ માથાદીઠ લગભગ ૨૮ કિલો પ્રતિ વ્યક્તિ, પ્રતિ વર્ષ છે એ જોતાં ભારતમાં હજુ પણ માથાદીઠ વપરાશ વૈશ્વિક સરેરાશ કરતાં નીચે છે, એમ કહી શકાય. આ માટેનું મુખ્ય કારણ જીવનપદ્ધતિ તેમજ ખોરાકની ટેવો, ઝડપથી બદલાતાં ગયાં તે છે તેમ કહેવું યોગ્ય ગણાશે. જો કે આમ થવાને કા૨ણે આરોગ્યના પ્રશ્નો ઊભા થાય છે, જેને પરિણામે વ્યક્તિદીઠ આરોગ્ય તેમજ દવાઓ પાછળનો ખર્ચ પણ વધી રહ્યો છે તે વાત વિસારી શકાય નહીં.

આના કરતાં પણ વિશેષ ગંભીર બાબત તો એ છે કે, ફાફડા, દાળવડાં, ભજીયાં, સમોસા, કચોરી જેવી પ્રોડક્ટ એકના એક તેલમાં વારંવાર તળવામાં આવે છે, જેને કારણે ઑક્સિડાઈઝ થયેલું કાળું તેલ લોહીની નળીઓ ભરાઈ જાય એ પ્રકારનાં ખરાબ કોલેસ્ટેરોલ પેદા કરતી હોઇ, હૃદયરોગને નિમંત્રણ આપે છે. આમ તેલનો ઉપયોગ જ વધ્યો છે એટલું જ નહીં પણ બિનઆરોગ્યપ્રદ રસોઈ પદ્ધતિને કારણે વારંવાર તળવા માટે વપરાતું તેલ આરોગ્ય માટે પણ એટલું જ હાનિકારક બની રહે છે.

ભારતમાં ખાદ્યતેલની ખપતમાં આવક, ભૂગોળ અને ખોરાકની પદ્ધતિના આધારે વિવિધતા જોવા મળે છે પણ આખા દેશની સરેરાશ માથાદીઠ ૨૩ કિ.ગ્રામ પ્રતિ વ્યક્તિ, પ્રતિ વર્ષની મૂકી શકાય. આમ તો આ ખપત વૈશ્વિક સરેરાશ ૨૮ કિ.ગ્રામ પ્રતિ વર્ષ, પ્રતિ વ્યક્તિ કરતાં ઓછી છે પણ વારંવાર વપરાશમાં લેવાતું તેલ આરોગ્ય માટે હાનિકારક છે તે ઉપરાંત વર્ષેદહાડે દોઢ લાખ કરોડ જેટલું વિદેશી હૂંડિયામણ આપણે અત્યારે જોઈએ છે જે આવનાર વર્ષોમાં વધે તેવી પૂરી શક્યતાઓ છે. આ પરિસ્થિતિમાં ઉકેલ શો? મુખ્યત્વે ત્રણ મુદ્દે આ પરિસ્થિતિ સામે લડવાની અસરકારક વ્યૂહરચના ગોઠવવા માટે વિચારી શકાય.

એક, આયાત પરની ઊંચી નિર્ભરતા સીધી રીતે દેશ પાસે ઉપલબ્ધ વિદેશી હૂંડિયામણની અનામતો ઉપર ભારણ લાવે છે એટલે એ ઘટાડવી જોઈએ. આ માટે પામઑઇલ, તલનું તેલ, રાયડાનું તેલ તેમજ કોકોનટ ઑઇલ એટલે કે નાળિયેરનું તેલ – આ ચાર તેલોના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય અને તેમાં પણ પામતેલનું ઉત્પાદન વધે તે માટે ભારત સરકારે રાષ્ટ્રીય ખાદ્યતેલ સંસ્થાનની સ્થાપના કરી વધુ ને વધુ ખેડૂતો તેલિબિયાંના પાક તરફ દોરાય તે માટે ઊંચી કક્ષાનું બિયારણ, ખાતર તેમજ આકર્ષક ભાવ તેમને મળી રહે તેવી નીતિ અખત્યાર કરવી સાચી દિશાનું પગલું છે.

બીજો મુદ્દો આપણે વ્યક્તિગત રીતે અમલમાં મૂકવાનો છે. તેલનો વધુ ઉપયોગ નુકસાનકારક છે અને વારંવાર ઉકળાતા તેલમાં તૈયાર કરેલાં ભજિયાં, ગોટા, ફાફડા વગેરે પદાર્થો ખાઈને આપણે લોહીમાં ખરાબ કોલેસ્ટેરોલ વધે અને તે થકી રક્તવાહિનીઓમાં બ્લોકેજ ઊભું થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરીએ છીએ. દેશભક્તિની વાત બાજુ પર મૂકીએ પણ પોતાના ખુદના આરોગ્ય ખાતર તેલનો વપરાશ ઘટાડવો જોઈએ. ઈ.સ. ૨૦૦૦માં આ વપરાશ માથા દીઠ દસ કિલો હતો અને ઈ.સ. ૧૯૮૦માં માથાદીઠ પાંચ કિલો હતો. આપણે જો તેલના વપરાશમાં પ૦ ટકા કાપ મૂકીએ અને અત્યારે માથાદીઠ ૨૦ કિ.ગ્રા. પ્રતિવ્યક્તિ પ્રતિ વર્ષ વપરાશને ઘટાડીને ૧૦ કિ.ગ્રામ. પ્રતિવ્યક્તિ પ્રતિ વર્ષ જેટલો કરી નાખીએ તો આયાત ઉપરની આધારિતતા લગભગ શૂન્ય થઈ જાય.

આમ, બે મોરચે આપણે આ પ્રશ્ન પર હુમલો કરવો જોઈએ. પહેલો, ખાદ્યતેલનો માથાદીઠ વપરાશ ઘટાડવો અને બીજો ખાદ્યતેલના ઉત્પાદન માટે જરૂરી એવાં તેલીબિયાંના ઉત્પાદનમાં વધારો થાય એ પ્રકારનાં સંશોધનો તેમજ સંસાધનોનો વિકાસ કરવો. આ બંને મોરચે એક સાથે કાર્યવાહી કરવાથી આગામી પાંચ વરસ દરમિયાન ભારત ખાદ્યતેલની આયાત ઉપરની નિર્ભરતા ઘટાડીને શૂન્ય કરવા માટે સરકાર તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવી જોઈએ.

આમાં દેશનું હિત તો છે જ પણ સાથે સાથે વ્યક્તિગત સ્વાસ્થ્ય સુધરે એ હેતુ પણ રહેલો છે. જો આમ ન કરવામાં આવે અને ભારતની ખાદ્યતેલો માટે આયાત નિર્ભરતા વધતી જ જાય તો આવનાર સમયમાં વિદેશી હૂંડિયામણની જરૂરિયાત બે લાખ કરોડ કરતાં પણ વધી જાય તે આજના સંજોગોમાં દેશને પણ પોસાય તેમ નથી અને ખાદ્યતેલના ભાવમાં અસહ્ય વધારો થાય તે ગ્રાહકને પણ પોસાય તેમ નથી.

એક સમયે લાલબહાદુર શાસ્ત્રીએ એક ટંકનું ભોજન છોડી દેવા અને ચોખાનો ઉપયોગ અમુક સંખ્યા કરતાં વધુ સંખ્યામાં માણસોને જમાડવા માટે કોઈ પણ સ્વરૂપે નહીં કરવા અપીલ કરી હતી, તેના સંદર્ભમાં ભારતની જનતાએ સુંદર પ્રતિભાવ આપ્યો હતો અને આપણે અન્નસંકટમાંથી ઊગરી ગયાં. શું ભારતના પ્રધાનમંત્રી ખાદ્યતેલનો વપરાશ ઘટાડીને અડધો કરી નાખવા માટેની અપીલ ભારતની જનતાને ના કરી શકે? જો આવી અપીલ પ્રધાનમંત્રીશ્રી તરફથી કરવામાં આવે તો મને ચોક્કસ વિશ્વાસ છે કે, ધાર્યું પરિણામ મેળવી શકાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top