ખનિજ માફિયાઓએ ગુજરાતના પર્યાવરણની કરોડરજ્જુ મનાતી અરવલ્લી પર્વતમાળાને ખોદી નાખી છે. અરવલ્લી પર્વતમાળા માટે ક્યાંક સરકાર દ્વારા ખનીજ ખનન માટે મંજૂરી આપી દેવામાં આવી છે તો ક્યાંક પરવાનગી વિનાજ ખનીજખનન કરવામાં આવી રહ્યું છે. મોટાભાગે એવું મનાતું હતું કે, રાજસ્થાનમાં અરવલ્લી પર્વતમાળામાં મોટાપાયે ખોદકામ ચાલી રહ્યું છે પરંતુ હકીકત એ છે કે ગુજરાતમાં પણ અરવલ્લી પર્વતમાળામાં મોટાપાયે ખોદકામ ચાલી રહ્યું છે અને ગુજરાત સરકાર હજુ પણ ઉંઘે છે.
સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે અરવલ્લી પર્વતમાળામાં ખનીજ માટેના ખોદકામ માટે નવી કોઈ જ મંજૂરી આપવામાં આવે નહીં પરંતુ સુપ્રીમના ચુકાદાને પણ ખનીજમાફિયાઓ ઘોળીને પી ગયા છે. જે જે રાજ્યોમાંથી અરવલ્લી પર્વતમાળા પસાર થાય છે તે તે રાજ્યોના લોકોને એ ખબર જ નથી કે તેનું મહત્વ શું છે. અરવલ્લી પર્વતમાળા ઉત્તર-પશ્ચિમ ભારતમાં આવી છે અને દક્ષિણ-પશ્ચિમ દિશામાં આશરે 670 કિમી (420 માઇલ) લાંબી છે, જે દિલ્હી નજીકથી શરૂ થાય છે , દક્ષિણ હરિયાણા અને રાજસ્થાનમાંથી પસાર થાય છે અને અમદાવાદ, ગુજરાત ખાતે સમાપ્ત થાય છે .
અ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર રાજસ્થાનના માઉન્ટ આબુમાં ગુરુ શિખર છે જે 1,722 મીટર (5,650 ફૂટ) ઊંચું છે. અરવલ્લી પર્વતમાળા ભારતનો સૌથી જૂનો ગડી-પર્વત પટ્ટો છે, જે પેલિયોપ્રોટેરોઝોઇક યુગનો છે. અરવલ્લી પર્વતમાળા રણને રોકતી એક કુદરતી દિવાલ છે. અરવલ્લી ઉત્તર તથા પૂર્વ ભારતને થાર રણના વિસ્તરણથી બચાવે છે. આ પર્વતમાળા ગરમ પવનની તીવ્રતા ઘટાડીને જમીનને બેરણ બનતાં અટકાવે છે. અરવલ્લી પર્વતમાળા વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ રીચાર્જ કરે છે અને અનેક નદીઓ, તળાવો, બોર તેમજ કૂવા અરવલ્લી પર આધારિત છે.
અરવલ્લી પર્વતમાળામાં લાખો વૃક્ષો, વનસ્પતિઓ, પક્ષીઓ અને વન્ય જીવોનો વસવાટ છે અને આજ તેમનું કુદરતી નિવાસ અને પ્રજનનક્ષેત્ર ગણાય છે. અરવલ્લીની પર્વતમાળા તાપમાન નિયંત્રિત રાખે છે, ગરમ પવનોને રોકે છે અને ચોમાસાને સહારો આપે છે. અરવલ્લી પર્વતમાળાના કારણે માટીનું ધોવાણ ઓછું થાય છે. જમીનની ઉર્વતા જળવાય છે અને ખેતી ઉપર સકારાત્મક અસર પડે છે. અરવલ્લીની પર્વતમાળા પ્રાચીન સંસ્કૃતિઓની સાક્ષી છે, કિલ્લાઓ, મંદિરો, લોકજીવન અને પરંપરાઓ આ પર્વતમાળા સાથે જોડાયેલી છે.
વન ઉત્પાદન, પશુપાલન, ઈકો ટુરીઝમ તેમજ સ્થાનિક રોજગાર માટે અરવલ્લીની પર્વતમાળા આધાર સ્તંભ માનવામાં આવે છે. પૂર, ઘૂળ, આંધી, હિટવેવ, જમીનનો ક્ષય જેવા જોખમોનું પ્રમાણ ઘટાડવામાં અરવલ્લી પર્વતમાળા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અરવલ્લી પર્વતમાળામાંથી અનેક નદીઓ શરૂ થાય છે. જો આ પર્વતમાળા નહીં રહે તો પર્યાવરણને ભારે નુકસાન થાય તેમ છે છતાં પણ સરકારો ખનીજમાફિયાઓ સાથે ભળી ગઈ છે. રાજસ્થાનમાં તો મોટા પ્રમાણમાં અરવલ્લી પર્વતમાળામાં ખોદકામ થાય જ છે અને અનેક ડુંગરો ગાયબ થઈ ગયા છે પરંતુ ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ છે.
ગુજરાતમાં પણ ખનીજમાફિયાઓ અને સરકારી અધિકારીઓએ મળી જઈને અરવલ્લી પર્વતમાળાની હાલત ખરાબ કરી નાખી છે. ડુંગરોની ઉપર જેસીબી મશીન ચડાવીને ખોદકામ કરવામાં આવે છે. જેને કારણે આખી ધરતીમાં કંપન અનુભવાય છે. જ્યાંથી ખનીજ મળે ત્યાં ખોદકામ થવાને કારણે કેટલાક ડુંગરો વચ્ચેથી કપાઈ ગયા છે. માત્ર એટલું જ નહીં ગુજરાતમાં અંબાજીથી શરૂ કરીને માઉન્ટ આબુ સુધીના રસ્તાઓને પણ ખનીજ માફિયાઓએ વાહનો માટે નકામા કરી દીધા છે. અરવલ્લી પર્વતમાળા મામલે મોટો વિવાદ થયા બાદ ગુજરાતમાં આ પર્વતમાળાનું ખનન અટકાવવામાં આવશે તેવી જાહેરાતો કરવામાં આવી છે પરંતુ ખનીજમાફિયાઓ બેફામ પણે આજે પણ અરવલ્લી પર્વતમાળાને ખોદી રહ્યા છે અને તંત્ર હાથ પર હાથ ધરીને બેસી રહ્યું છે.
જે રીતે અરવલ્લી પર્વતમાળાની ઉપયોગિતા છે તે જોતાં સુપ્રીમ કોર્ટે તો ખનન પર બ્રેક મારી છે પરંતુ સરકારી અધિકારીઓની મિલીભગતમાં ચાલી રહેલા ખનન પર સરકારે પણ ધ્યાન રાખવાની જરૂરીયાત છે. ગુજરાત સરકારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળા પર ખાસ ધ્યાન આપવાની જરૂરીયાત છે. જો સરકાર ઉંઘતી રહેશે તો ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળા નામશેષ થઈ જશે તે નક્કી છે.