૨૭ લાખથી વધુ મુસાફરો પર અસર
(પ્રતિનિધિ) વડોદરા, તા. ૩૧
નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ ગુજરાતના લાખો મુસાફરોને મોંઘવારીનો વધુ એક ઝાટકો લાગ્યો છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ( જીએસઆરટીએસ) દ્વારા રાજ્યભરમાં એસટી બસના ભાડા દરમાં સરેરાશ ૩ ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય 31 ડિસેમ્બરની મધરાતથી અમલમાં આવશે, જેના કારણે રોજબરોજ એસટી બસમાં મુસાફરી કરતા અંદાજિત ૨૭ લાખથી વધુ મુસાફરો પર સીધી અસર પડશે.
જીએસઆરટીસી દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, 1 જાન્યુઆરી 2026થી રાજ્યભરની તમામ એસટી બસ સેવાઓમાં નવા ભાડા દર લાગુ થશે. નિગમના જણાવ્યા મુજબ મુસાફરોને વધુ સારી, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત પરિવહન સેવાઓ પૂરી પાડવા માટે આ નિર્ણય લેવાયો છે. ડીઝલના વધતા ભાવ, બસોની જાળવણી ખર્ચ, કર્મચારીઓના પગાર તેમજ અન્ય સંચાલન ખર્ચમાં સતત વધારો થતો હોવાના કારણે ભાડામાં આંશિક વધારો કરવો અનિવાર્ય બન્યો છે.
ગુજરાતમાં એસટી બસ સેવા પર દરરોજ લાખો લોકો નિર્ભર છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, મજૂરો તેમજ ગ્રામ્ય વિસ્તારોના મુસાફરો માટે એસટી પરિવહન મુખ્ય સાધન માનવામાં આવે છે. ભાડામાં થયેલા વધારાથી હવે દૈનિક મુસાફરીનો ખર્ચ વધશે, જેના કારણે સામાન્ય જનતાના ખિસ્સા પર વધારાનો ભાર પડશે.
નવા વર્ષની શરૂઆત સાથે જ ભાડા વધારાના નિર્ણયને લઈને મુસાફરોમાં મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યો છે. કેટલાક મુસાફરો આ વધારાને મોંઘવારીનો વધુ એક બોજ ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો વધુ સુવિધાજનક અને સુરક્ષિત બસ સેવા મળશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.