દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરનો ભગીરથપુરા વિસ્તાર હાલમાં પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યો છે. દૂષિત પાણી પીવાથી થયેલા મૃત્યુઆંક અંગે સ્થાનિક રહેવાસીઓ અને વહીવટીતંત્ર વચ્ચે હવે સંઘર્ષ ઉભો થયો છે. જ્યારે રહેવાસીઓ આઠ મૃત્યુનો દાવો કરે છે, ત્યારે સરકારી રેકોર્ડમાં ફક્ત ત્રણ જ મૃત્યુની પુષ્ટિ થઈ છે. મુખ્યમંત્રી મોહન યાદવે આ ગંભીર બેદરકારી સામે કડક કાર્યવાહી કરી છે અને અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.
સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે દૂષિત પાણી પીવાથી ઉલટી અને ઝાડાને કારણે ઇન્દોરમાં આઠ લોકોના મોત થયા છે, જોકે વહીવટીતંત્રે ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરી છે. મેયર પુષ્યમિત્ર ભાર્ગવે બુધવારે સાત લોકોના મોતનો સ્વીકાર કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ભગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી બીમાર પડ્યા બાદ એક અઠવાડિયામાં છ મહિલાઓ સહિત આઠ લોકોના મોત થયા હતા.
એક સમાચાર એજન્સીએ આરોગ્ય વિભાગને ટાંકીને જણાવ્યું હતું કે નંદલાલ પાલ (70), ઉર્મિલા યાદવ (60) અને તારા કોરી (65) ના મોત ઝાડાથી થયા હતા.
દર્દીઓની સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે: મુખ્યમંત્રી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિવારજનોને 2 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી. તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર તમામ દર્દીઓની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે.
2 સસ્પેન્ડ, 1 બરતરફ
મુખ્યમંત્રીના નિર્દેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ઝોનલ અધિકારી અને ભગીરથપુરાના એક સહાયક ઇજનેરને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે એક ઇન્ચાર્જ સબ-ઇજનેરની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી એમ એક અધિકારીએ જણાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે પાણીના દૂષણને કારણે થતા મૃત્યુના આરોપોની તપાસ માટે ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીની આગેવાની હેઠળ ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.
શૌચાલય નીચેથી મળી આવેલી પાઇપલાઇન લીકેજને કારણે મોત થયા
મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર યાદવે જણાવ્યું હતું કે ભગીરથપુરામાં શૌચાલયની ઉપર સ્થિત મુખ્ય પાણી પુરવઠા પાઇપલાઇનમાં લીકેજ જોવા મળ્યું હતું. તેમણે કહ્યું કે આ લીકેજ પીવાના પાણીને દૂષિત કરી શકે છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીએ ભગીરથપુરામાં વર્મા હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને દૂષિત પાણીના કારણે બીમાર પડેલા લોકોને મળ્યા હતા.
દર્દીઓની તબિયત પૂછ્યા બાદ મીડિયા સાથે વાત કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ભાજપના નેતાઓની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે પાણી માત્ર દૂષિત જ નથી, પરંતુ ઝેરી પણ છે અને તેના કારણે ત્રણ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશને પાણી પુરવઠા પર 2200 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, પરંતુ તેમ છતાં, લોકો ઝેરી પાણી પીવા માટે મજબૂર છે. કયા રાજકારણીઓ કોન્ટ્રાક્ટરો સાથે કમિશન શેર કરે છે તે શોધવું જરૂરી છે. જાનહાનિ માટે જવાબદાર લોકો સામે કેસ દાખલ કરવા જોઈએ.
કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે ઇન્દોર કોંગ્રેસ મ્યુનિસિપલ કમિશનર અને મેયર સામે FIR દાખલ કરશે. જીતુ પટવારીએ પ્રદેશ ધારાસભ્ય અને શહેરી વહીવટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, જનતાએ તમને બધું આપ્યું છે, તમે તેમને ગંદુ પાણી કેમ આપી રહ્યા છો?
તેમણે નર્મદા નદીમાં ગટરના પાણીના ભેળવવાના ઘટનાક્રમને ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવ્યું. કોંગ્રેસના પ્રવક્તા નીલાભ શુક્લાએ આરોપ લગાવ્યો કે પ્રશાસન દૂષિત પીવાના પાણીની ઘટનામાં પોતાની જીવલેણ બેદરકારી છુપાવવા માટે મૃત્યુઆંકની વાસ્તવિક સંખ્યા છુપાવી રહ્યું છે. તેમણે કહ્યું, દૂષિત પીવાના પાણીની ઘટનાએ દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરની છબી પર ખરાબ ડાઘ લગાવ્યો છે, પરંતુ કાર્યવાહીના નામે ફક્ત કોસ્મેટિક પગલાં લેવામાં આવી રહ્યા છે.