કાલોલ :
કાલોલ પંથક તથા આસપાસના વિસ્તારોમાં, ખાસ કરીને ગોમા નદીના કિનારે ગેરકાયદે રેતી ખનન મોટા પાયે ચાલી રહ્યું હોવાની ફરિયાદો વચ્ચે હવે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રેતી ભરતા ટ્રેક્ટર સાથે ફિલ્મ Pushpa: The Riseના લોકપ્રિય ડાયલોગ બોલતા ટ્રેક્ટર ચાલકના બે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
વાયરલ વીડિયોમાં ટ્રેક્ટર પાસે ઊભેલો યુવક ફિલ્મી અંદાજમાં કહે છે—
“માલ કિતના? દો હજાર ટન… એક ટન કા ઢાઈ કરોડ… મજાક કર રહે હો પુષ્પા? પુષ્પા ધંધે મેં મજાક નહીં કરતા…”
આ ડાયલોગ સાથે ઉઘાડેઆમ હાસ્ય અને લલકાર જોવા મળે છે. વધુમાં, વીડિયોમાં “બે નંબર” જેવી ટેગ લગાવવામાં આવી હોવાનું પણ સ્પષ્ટ દેખાય છે, જે ગેરકાયદે ખનન તરફ સીધી ઈશારો કરે છે.
ચર્ચા મુજબ, વાયરલ થયેલા બે વીડિયોમાંથી એક કાલોલ તાલુકાના ગોળીબાર વિસ્તારનો હોવાનું કહેવાઈ રહ્યું છે. સ્થાનિકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાણ-ખનીજ વિભાગ, મામલતદાર, પોલીસ, તેમજ ગ્રામ પંચાયત સહિતના તંત્રને જાણે ખુલ્લો પડકાર આપતા હોય તે રીતે વીડિયો બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
પ્રશ્ન એ છે કે—
તંત્રની નજર સામે બેફામ ગેરકાયદે રેતી ખનન અને આવા લલકારભર્યા વીડિયો વાયરલ થવા છતાં સંબંધિત વિભાગો ક્યારે કડક કાર્યવાહી કરશે? કાલોલ પંથકમાં હવે લોકો સ્પષ્ટ જવાબ અને તાત્કાલિક પગલાંની માંગ કરી રહ્યા છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા, કાલોલ