વાલાવાવ ચોકડીથી કપડાં ખરીદી પરત ફરતી વેળાએ અકસ્માત, ડેસર CHC ખાતે માતા-પિતાના આક્રંદથી વાતાવરણ ગમગીન
સાવલી | તા. 30
ડેસર તાલુકાના ડેસર–ઉદલપુર માર્ગ પર અમરેશ્વર ગામના પાટીયા પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક ગત તા.29 ડિસેમ્બરે સાંજે અંદાજે 5 વાગ્યાના અરસામાં અજાણ્યા વાહને એકટીવાને પાછળથી અડફેટે લેતાં બે નવયુવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતા.

પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના હઠીસિંહની મુવાડી ગામે રહેતા મેહુલકુમાર સંજયસિંહ ચાવડા (ઉંમર 14) અને વિશ્વરાજસિંહ લાલસિંહ ચાવડા (ઉંમર 21) બપોરે વાલાવાવ ચોકડી ખાતે કપડાં ખરીદવા આવ્યા હતા. સાંજે પરત ફરતી વેળાએ ભૈયાપુરા–અમરેશ્વર વચ્ચે પેટ્રોલ પંપ નજીક પાછળથી આવતા અજાણ્યા વાહનચાલકે તેમની એકટીવાને અડફેટે લીધી હતી. અકસ્માતમાં બંનેને માથા તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓ ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા.

ઘટનાની જાણ થતાં કોઈ અજાણ્યા વ્યક્તિએ 108 ઇમર્જન્સી સેવાને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ટીમે તપાસ બાદ બંનેના મોતની પુષ્ટિ કરી હતી. અકસ્માતની જાણ ડેસર પોલીસ સ્ટેશનને થતાં પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી અને બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ડેસરની CHC ખાતે ખસેડ્યા હતા. પોલીસે અજાણ્યા વાહનની ઓળખ માટે પેટ્રોલ પંપ સહિત આસપાસના વિસ્તારોના CCTV કેમેરા ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે.
હઠીસિંહની મુવાડી ગામે દુર્ઘટનાની જાણ થતાં પરિવારજનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ડેસર CHC ખાતે બંને યુવકોના માતા-પિતા પહોંચતા તેમના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.
ઉલ્લેખનીય છે કે મેહુલકુમાર વેજપુરની વૈજનાથ વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતો અને અભ્યાસમાં હોશિયાર હતો, જ્યારે વિશ્વરાજસિંહે થોડા સમય પહેલાં જ એક કંપનીમાં નોકરી જોડેલી હતી. અકસ્માત બાદ વિસ્તારમાં હિટ-એન્ડ-રન સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
રિપોર્ટર: વિમલ પટેલ , સાવલી