માલસર માર્ગ પર SDM અને ખાણ-ખનીજ વિભાગનું સંયુક્ત ચેકિંગ, વાહન માલિકોને દંડ
પ્રતિનિધિ, શિનોર :
શિનોર તાલુકાના માલસર માર્ગ પરથી પસાર થતાં ઓવરલોડેડ રેતી વહન કરતા વાહનો સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કરજણના એસડીએમ અને ગુજરાત ખાણ અને ખનીજ વિભાગની સંયુક્ત ટીમે આકસ્મિક ચેકિંગ દરમિયાન રેતી વહન કરતા કુલ 8 હાઈવા વાહનો ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, માલસર માર્ગ પર નિયમિત રીતે ઓવરલોડેડ રેતીનું પરિવહન થવાની ફરિયાદોને પગલે તંત્ર દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાહનોમાં મંજૂર ક્ષમતાથી વધુ રેતી ભરેલી હોવાનું સામે આવતાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી.
ચેકિંગ સમયે તમામ વાહન માલિકોને સ્થળ પર બોલાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને નિયમભંગ બદલ લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ખનિજના ગેરકાયદેસર વહન અને ઓવરલોડિંગ સામે કડક વલણ અપનાવવામાં આવશે.
શિનોર તાલુકામાં રેતી માફિયાઓની પ્રવૃત્તિ અંગે સમયાંતરે ફરિયાદો મળતી રહી છે. આવા સંજોગોમાં એસડીએમ અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત કાર્યવાહીથી ખનિજના ગેરકાયદેસર વહન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે.

તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આવા આકસ્મિક ચેકિંગ ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે, જેથી નિયમોનું પાલન થાય અને ગેરકાયદેસર ખનન તથા પરિવહન પર નિયંત્રણ રાખી શકાય.
રિપોર્ટર: અમિત સોની