વિનયના જીવનમાં બહુ મોટી ઉથલપાથલ થઈ ગઈ, એક બાજુ પત્નીને મોટી બિમારી થઈ અને તેની પોતાની નોકરી છૂટી ગઈ. બે બાળકોની જવાબદારી, હોસ્પિટલની દોડાદોડી અને ખર્ચા, આવક બંધ થઈ ગઈ હતી. બચતમાં થોડા મહિનાઓ નિકળશે પછી શું તેની ચિંતા વિનયને સતાવી રહી હતી. ચિંતાગ્રસ્ત વિનય શું કરવું તેના વિચારોમાં હોસ્પિટલની બહાર બાંકડા પર બેઠો હતો. વિનયના પિતા ત્યાં આવ્યા અને ધીમેથી તેની બાજુમાં બેઠા. થોડીવાર સુધી કઈ બોલ્યા નહીં. વિનય નિરાશ થઈને માથું નીચું નાખી બેઠો હતો ધીમેથી બોલ્યો, ‘પપ્પા, ચારેબાજુથી મુશ્કેલીઓથી એવો ઘેરાઈ ગયો છું કે કઈ ખબર નથી પડતી કે શું કરું?’
પપ્પાએ વિનયનો હાથ પકડી બોલ્યા, ‘દીકરા, જીવન છે મુશ્કેલીઓ આવે અને અત્યારે નસીબજોગે ચારેબાજુથી મુશ્કેલીઓ આવી પડી છે ત્યારે બેટા તારે હિંમત રાખવી પડશે અને લડવું પડશે.’ વિનય રડી પડ્યો, ‘પપ્પા મને કઈ સમજાતું નથી કે આટલી મોટી મુશ્કેલી સામે હું કઈ રીતે લડુ? અને શું માર્ગ કાઢું? નીપાને હોસ્પિટલમાં એકલો છોડી શકતો નથી, નોકરી શોધવા પણ અત્યારે કયાં જાઉં અને બાળકોની જવાબદારી એકલા હાથે કેવી રીતે નિભાવું અને નીપાના ઇલાજનો ખર્ચ. આટલા બધા મોરચે કઈ રીતે લડુ કઈ સમજાતું નથી.’ પપ્પા બોલ્યા, ‘દીકરા મારો અનુભવ કહે છે કે ગમે તેટલી મોટી મુશ્કેલી હોય તેની સામે લડવા કોઈ બહુ મોટા નિર્ણયો કે પગલા લેવાની જરૂર હોતી નથી.
જરૂર હોય છે એક નાના મક્કમ પગલાની!’ વિનય બોલ્યો, ‘એટલે શું પપ્પા એવું કયું નાનું પગલું મુશ્કેલીઓ દૂર કરી નાખશે?’ પપ્પાએ કહ્યું, ‘એક નાનું પગલું મુશ્કેલીઓ દૂર નહીં કરી નાખે પણ આટલી મુશ્કેલીઓ સામે હું કઈ નહીં કરી શકું તેમ હારીને બેસવા કરતા, કમર કસીને મુશ્કેલીઓ સામે લડી લેશું એમ નક્કી કરીને પહેલું મક્કમ નાનું પગલું ઉપાડવાની જરૂર છે.’ વિનયે કહ્યું, ‘તમે જ કહો પપ્પા શું કરું? ક્યાંથી શરૂઆત કરું?’ પપ્પાએ કહ્યું, ‘સૌથી પહેલા દીકરા નિરાશા ખંખેરીને હિંમત ભેગી કર. મુશ્કેલી સામે લડવા તૈયાર થઇ જા.
મારી, તારી મમ્મી અને નીપાના મમ્મી પપ્પા સાથે વાત કર. બાળકોને પણ ધીમેધીમે હકીકત સમજાવ અને પછી પહેલા પગલા તરીકે આ લે મારી ૨ લાખની ફિક્સ્ડ ડિપોઝીટ જે તોડીને તું કોઈ નાનો બીઝનેસ ચાલુ કરી દે, તારી અત્યારની પરિસ્થિતિ અને સંજોગ મુજબ તારા માટે નવી નોકરી શોધવી અને તેની ફરજ પૂરી કરવી અઘરી થશે પણ તારું પોતાનું કામ તું ગમે ત્યારે અને ગમે તે જગ્યાથી કરી શકીશ. ભલે નાનું કામ હોય શરૂઆત કરી દે.’ પપ્પાના શબ્દોથી વિનયમાં હિંમત આવી તેણે રાત્રે જ ઓનલાઈન માર્કેટિંગ કન્સલટન્સીનો પ્લાન બનાવ્યો તરત જ મિત્રોને ફોન કરી સંજોગો સમજાવી પોતાની ઓનલાઈન કન્સલ્ટન્સી શરૂઆત કરી છે તે જણાવ્યું અને ધીમેધીમે કામ મળવા લાગ્યું. પોતાની ગાડીમાં જ ઓફિસ બનાવી વિનય ચારેબાજુથી આવી પડેલી મુશ્કેલીઓ સામે લડવા માંડ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.