Comments

શાળા-કોલેજોમાં રમતગમતની તો ગેમ થઇ ગઈ

હાથ ઉપર…નીચે, બાજુ…સામે, દર શનિવારે ગુજરાની શાળાઓમાં સાવારે પ્રથમ તાસ અંગ કસરતનો હતો. શાળાઓના મેદાનમાં સૌ વિદ્યાર્થીઓ વ્યાયામ શિક્ષના આદેશોનું પાલન કરતા. જેમ મજાક-મસ્તી-ટીખળ પણ હતી જ. સ્કૂલ કોલેજોમાં રમતગમત હવે સ્વપ્ન થઇ ગયું છે. હજુ નાના સેન્ટરોમાં શાળાઓ પાસે મોટા મેદાનો છે પણ શહેરોમાં જગ્યા ચોરસ મીટરના ભાવે મપાય છે એટલે સ્કૂલોને મેદાનો પોસાતા નથી અને જેને અત્યંત જરૂર છે તેવી પ્રાથમિક શાળાઓ શોપીંગ સેન્ટરોમાં ચાલે છે. એટલે તેની પાસે મેદાન છે જ નહીં. મેદાન નથી એટલે મેદાનમાં રમાય તેવી રમતો નથી આપણા સમાજ જીવનમાં આમ પણ રમતગમતનું સ્થાન વિડીયો ગેમ અને મોબાઈલ ગેમે લઇ લીધું છે.

એટલે બાળકના સર્વાંગી વિકાસ માટે જરૂરી અંગ કસરત અને રમતગમત કાયમ માટે જ દૂર થઇ ગઈ છે. હવે ક્યાંય કબ્બડ્ડી, ખોખો જેવી રમતો રમાતી જોવા મળતી નથી. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની તો જાણે હવે જરૂર જ નથી રહી. આ લખાય છે ત્યારે મોરબીમાં રાજ્યકક્ષાનો યુવક મહોત્સવ યોજાઈ રહ્યો છે. આજથી દસ બાર વર્ષ પહેલાં જ શાળાકોલેજોની સંસ્કૃતિક સ્પર્ધાઓનો ઘડો લાડવો થઇ ગયો છે.

બાળકને ડોક્ટર એન્જીનીયર બનાવવ માંગતા માબાપ બાળકો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં “સમય બગાડે” તે ઈચ્છતા નથી. કોલેજોમાં તો વચ્ચે સપ્તધારાનો અલગ જ પ્રવાહ ચાલેલો. એક અધિકારીના માનસસંતાન જેવી આવી પ્રવૃત્તિઓ કોલેજોના યુવક મહોત્સવ અને રમતગમત મહોત્સવથી સમાંતર ચાલતી. જે અધિકારી બદલાતા મૃતપ્રાય થઇ અને તેને વર્ષોથી ચાલતા યુવક મહોત્સવ અને રમત ગમત સ્પર્ધાઓને પણ નુકસાન પહોચાડ્યું. કોલેજોમાં તો મૂળમાં વિદ્યાર્થીઓ હવે ભણવા જ નથી આવતા, તો આવી ઈતરપ્રવૃત્તિઓમાં ક્યાંથી આવે? સ્કૂલોમાં પણ સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓ જાનયુઆરીથી સ્કૂલમાં આવવાનું બંધ કરી દે છે. એટલે આ ઈતરપ્રવૃત્તિ માટે શ્રેષ્ઠ એવા શિયાળાનાં આ બે મહિનામાં હવે સ્કૂલોમાં કંઈ થતું નથી.

મીડિયા અને નવી બજારુ સમજણનાં પ્રતાપે ગુજરાતનાં શાળાજીવનમાં ચાલતી કેટલીક જીવનની ઘડતરની બાબતોનો છેદ ઉડી ગયો છે. અને સમજૂ શિક્ષકો હવે નવી માથાકૂટ ઉભી કરવા માંગતા નથી એટલે એક બાજુ અત્યંત ક્રૂર રીતે વિદ્યાર્થી સાથે મારપીટ કરતા શિક્ષકો સંચાલકોના કિસ્સા સામે આવે છે તો બીજી બાજુ એ પુસ્તકના જ્ઞાનથી સંતોષ માનનારા શિક્ષકો વધતા જાય છે. બાકી જૂના સમયમાં વિદ્યાર્થીને

થતી શિક્ષા પણ તેના ઘડતરનો જ એક ભાગ હતી. જેમકે અંગુઠા પકડવા, ઉભડક બેસીને કાન પકડવા, હાથ ઊંચા રાખીને ઉભા રહેવું, મેદાનમાં બે ત્રણ ચક્કર કાપવા. આ તમામ પ્રવૃત્તિ દેખીતી રીતે સજા હોવા છતાં શરીરને ખડતલ બનાવવામાં મદદ રૂપ થતી. હા મૂળ પ્રશ્ન પ્રમાણ માપનો છે. આવું જ શિક્ષણેતર પ્રવૃત્તિઓનું છે. ચિત્રકામ એ ચીવટ સર્જનાત્મક અને ધીરજનાં ગુણ વિકસાવે છે. વક્તૃત્વ સ્પર્ધા વિષય સમજણ તર્કશક્તિ અને વક્તવ્ય સ્કીલ વિકસાવે છે. શિક્ષણ એ સર્વાંગી વિકાસની પ્રક્રિયા તો જ બને જો બાળકમાં કલ્પનાશીલતા વિકસે, સાહસ વિકસે, શારીરિક પરિશ્રમની ટેવ પડે. આજનાં શાળા જીવનમાંથી આ બધું જ નાશ પામ્યું છે.

સરકાર વાતો તો મોટી મોટી કરે છે પણ શાળામાં શારીરિક શિક્ષણના શિક્ષકો નથી, ચિત્ર અને સંગીતના શિક્ષકો નથી. કોલેજોમાં પણ ઘણા સમયથી શારિરીક શિક્ષણાના પ્રોફેસરો નથી. ગુજરત કોમનવેલ્થનું આયોજન કરવાનું છે. ગુજરતમાં કોઈ બાળક કે યુવાનને સ્પર્ધાઓ માટે તેયાર કરવાની ક્યાંય વ્યવસ્થા નથી. આપણે આયોજનમાં ધંધો શોધીએ છીએ પણ ગુજરાતમાં રમતગમત પ્રત્યેનો અભિગમ વિકસે તેનો પ્રયત્ન નથી કરતા. વાલીઓને જ બાળક ભણવા સિવાય કશાયમાં જોડાય તેમાં રસ નથી એટલે શાળા કોલેજના સંચાલકોને ભાવતું મળ્યું છે.

છેલ્લે એક અલગ વાત, ગુજરાતી શાળામાં વર્ગની ઓળખાણ માટે એક સરસ શબ્દ વપરાતો હતોઃ ‘ધોરણ’. ધોરણ ૧, ધોરણ ૨… .ધોરણ ૧૦. આપણા શિક્ષણમાં આ ધોરણ જ ભૂલી જવાયું છે. ધોરણ એટલે સમજણનું સ્તર. આપણે ધોરણો નક્કી કરવાં જોઈએ- ભાષામાં, ગણિતમાં, વિજ્ઞાનમાં. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એ ધોરણો એટલે કે સમજણની કક્ષા હોવી જોઈએ.

શિક્ષણને ચોક્કસ સમયગાળા સાથે નહીં, સમજણ સાથે જોડવું જોઈએ. જેને જ્યાં ભણવું હોય ત્યાં ભણે, જેની પાસે ભણવું હોય ત્યાં ભણે, જે રીતે ભણવું હોય એ રીતે ભણે. સરકાર માત્ર પરીક્ષા લે અને ધોરણ તપાસે. આમ પણ બધાને તો ડીગ્રીની જરૂર હોતી નથી. આપણે શું ભણ્યા એ મહત્વનું હોવું જોઈએ, ક્યાં ભણ્યા એ નહીં? આ વાત સરકારને અને સમાજને સમજાય તો શિક્ષણ સુધરે. બાકી, અત્યારે આપણું શિક્ષણ સ્કૂલ રીક્ષાને વાનવાળા, ટ્યુશન ક્લાસીસવાળા, ગાઇડવાળા અને છેલ્લે કાપલીની માઇક્રો ઝેરોક્ષ કરી આપનારા ચલાવી રહ્યા છે. તે મૂળભૂત કેળવણી માટે નથી થઇ રહ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top