અરવલ્લી પર્વતમાળા અંગે સુપ્રીમ કોર્ટે એના વીસ નવેમ્બરના જજમેન્ટમાં જણાવ્યુ કે સ્થાનિક ભૂપ્રદેશથી સો મીટરથી ઉપરના ભાગને જ અરવલ્લી પર્વતમાળાનો હિસ્સો ગણાય એથી નીચેની જમીનને પર્વતમાળાનો હિસ્સો ન ગણી શકાય. આ ચુકાદાએ નવો વિવાદ ઉભો કર્યો. આ ચુકાદાનો વિરોઘ કરવા ઘણાં વૈજ્ઞાનિકો, સામાજીક કાર્યકર્તાઓ, અને સામાજીક સંગઠનો સક્રિય થયા છે. સને 2018 માં સુપ્રીમ કોર્ટે જ એક કેસમાં નોંઘ લીઘેલ કે આ ખનન પ્રવૃત્તિને કારણે આ પર્વતમાળાની ૩૧ ટેકરીઓ (હિલ્સ) અદ્રશ્ય થઇ ગઇ છે એવુ જણાવવા છતાં પણ સરકાર પર્યાવરણને નુકસાનકર્તા આ પ્રવૃત્તિ પર રોક લગાવવા અંગે નિષ્ક્રીયતા દાખવી રહી છે.
આ પ્રવૃત્તિ પર રોક ન લાગે તો જૈવવિવિધતાને રક્ષતી, ગ્રાઉન્ડવોટરને રીચાર્જ કરવા અને ધૂળની ડમરીઓ સામે રક્ષણ મેળવાવા માટે અત્યંત આવશ્યક એવી ઝાડીઓનો નાશ થતો પણ કોઇ રોકી ન શકે. આ ઉપરાંત ખનન પ્રવૃત્તિ પર રોક ન લાગે તો ગુજરાત, રાજસ્થાન, દક્ષિણ હરિયાણા અને દિલ્હી–એન.સી.આર.માં વોટર ટેબલ સમય જતા ઘણું નીચુ આવી શકે જે અહીંના લોકોના જીવનમાં મુશ્કેલી વધારવામાં અગત્યનો ભાગ ભજવી શકે. યુવાનો અને વિવિઘ સંગઠનો દ્વારા આ ખનન પ્રવૃત્તિ પર રોક લગાવવા ચાલુ કરાયેલ ચળવળને કારણે સુપ્રીમ કોર્ટ સક્રિય થતા લોકોમાં આશા જન્મી છે કે આ પર્વતમાળામાં બેરોકટોક ચાલતી ખનન પ્રવૃત્તિ પર રોક લાગતા ભવિષ્યમાં ઉત્તર–પશ્ચિમના રાજ્યોમાં પર્યાવરણને થતા નુકસાનને અટકાવી શકાય.
પાલ, સુરત – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.