Vadodara

માંજલપુર મેનહોલ ડેથ કેસ: વડોદરા મ્યુનિસિપલ કમિશનરે એન્જિનિયરને કર્યા સસ્પેન્ડ

ફરજમાં બેદરકારી દાખવનાર અતુલ ભલગામીયાને ઘરભેગા કરાયા, ડેપ્યુટી એન્જિનિયર મનાનીને કારણદર્શક નોટિસ

વડોદરા :;શહેરના વોર્ડ નંબર 18 માં આવતા માંજલપુર વિસ્તારમાં ખુલ્લા મેનહોલમાં ગરકાવ થઈ જવાથી નાગરિકના મોતના ચકચારી કિસ્સામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આકરી કાર્યવાહી કરી છે. ફરજમાં બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કમિશનર અરુણ મહેશ બાબુએ લાલ આંખ કરતા તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.
માંજલપુરની આ ઘટનાએ સમગ્ર શહેરમાં રોષ જગાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મેનહોલની સુરક્ષા અને જાળવણીમાં ગંભીર ચૂક રહી ગઈ હતી. આ મામલે મ્યુનિસિપલ કમિશનરે ત્વરિત તપાસના આદેશ આપ્યા હતા, જેના રિપોર્ટના આધારે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે.
VMC કમિશનર અરુણ મહેશ બાબુએ આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, નાગરિકોની સુરક્ષા સાથે જોડાયેલી બાબતોમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે સાબિત કર્યું છે કે કામમાં બેદરકારી રાખનાર ગમે તેટલા ઉચ્ચ અધિકારી હોય, તેમને સજામાંથી મુક્તિ મળશે નહીં.
​”નાગરિકોની સુરક્ષા એ અમારી પ્રાથમિકતા છે. મેનહોલ જેવી પાયાની સુવિધાઓમાં બેદરકારી દાખવનાર કોઈ પણ કર્મચારી કે અધિકારી સામે કડક કાયદાકીય અને વહીવટી પગલાં લેવાનું ચાલુ રહેશે.”
​આ કાર્યવાહી બાદ હવે કોર્પોરેશનના અન્ય વિભાગો અને વોર્ડ ઓફિસના અધિકારીઓમાં પણ સજાગતા વધશે તેવી આશા સેવાઈ રહી છે.

​કમિશનર દ્વારા લેવામાં આવેલા કડક પગલાંઓની વિગતો:
*​તાત્કાલિક સસ્પેન્શન: એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અતુલ ભલગામીયાને ફરજમાં પ્રાથમિક બેદરકારી બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
*​શો-કોઝ નોટિસ: આ જ મામલે નાયબ એન્જિનિયર હરિકૃષ્ણ મનાનીને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને તેમની પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે.

Most Popular

To Top