Vadodara

વિકાસ કે વિનાશ? સમા કેનાલ પર શ્રમિકોના ‘મોતની સવારી’, સુરક્ષા સાધનો વગર સોલર પ્રોજેક્ટની જોખમી કામગીરી

નર્મદા નિગમની લાલિયાવાડી: ઊંડા પાણી અને ઊંચાઈ પર કામ છતાં શ્રમિકો પાસે નથી હેલ્મેટ કે સેફ્ટી બેલ્ટ

શ્રમ વિભાગ ક્યાં છે? મુખ્યમંત્રી અને શ્રમ મંત્રી આ ગંભીર બેદરકારી સામે લાલ આંખ કરે તેવી જાગૃત નાગરિકોની અપીલ

વડોદરા શહેરના સમા વિસ્તારમાં નર્મદા કેનાલ પર ચાલી રહેલા સોલર પ્રોજેક્ટની કામગીરીમાં સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. વિકાસના નામે શ્રમિકોના જીવ સાથે ચેડાં કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિક કક્ષાએ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નર્મદા નિગમ દ્વારા કેનાલ પર સોલર પેનલ લગાવીને ઉર્જા બચાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે સરાહનીય પગલું છે. પરંતુ આ પ્રોજેક્ટ પાછળ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. કેનાલના ઊંડા પાણી અને ઊંચાઈ પર કામ કરી રહેલા શ્રમિકો પાસે હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ, હેન્ડગ્લોવ્સ કે લાઈફ જેકેટ જેવા પાયાના સુરક્ષા સાધનોનો અભાવ જોવા મળ્યો છે. શ્રમિકો કોઈ પણ જાતની સુરક્ષા વગર જીવના જોખમે સોલર પેનલ બદલવાની કામગીરી કરી રહ્યા છે.
સ્થાનિકો અને જાગૃત નાગરિકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટરો વધુ નફો કમાવવાની લાલચે શ્રમિકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આ કામગીરી પર દેખરેખ રાખવાની જવાબદારી નિગમના એન્જિનિયરો અને સુપરવાઈઝરોની છે, પરંતુ તેમની નિષ્કાળજીને કારણે શ્રમિકો રામભરોસે કામ કરી રહ્યા છે. જો કોઈ શ્રમિક પગ લપસવાને કારણે ઊંડા પાણીમાં પડે તો તેની જવાબદારી કોની રહેશે તે એક મોટો યક્ષ પ્રશ્ન છે.
આ મામલે તંત્ર પાસે માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરી સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને તેમને કડક નોટિસ ફટકારવામાં આવે. મુખ્યમંત્રી અને શ્રમ રોજગાર મંત્રીને પણ આ ગંભીર બેદરકારી સામે પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.

શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?…
​”વિકાસ જરૂરી છે પણ તે કોઈના લોહીના ભોગે ન હોવો જોઈએ” આ સૂત્ર હાલ સમા કેનાલ પરના દ્રશ્યો જોઈને સાર્થક થતું જણાય છે. ભૂતકાળમાં પણ અનેક કિસ્સાઓમાં શ્રમિકોના મોત બાદ માત્ર વળતર આપીને સંતોષ માની લેવામાં આવે છે, પરંતુ માનવતાની દ્રષ્ટિએ શ્રમિકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ. નર્મદા નિગમે તાત્કાલિક અસરથી આ જોખમી કામ અટકાવીને પહેલા સુરક્ષાના તમામ માપદંડો પૂર્ણ કરાવવા જોઈએ જેથી કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય.

Most Popular

To Top