અટલાદરાની ઓરો રેસીડેન્સીમાં રહેતો 28 વર્ષીય અવિષેક વહેલી સવારે બાઈક લઈને નીકળ્યો ને અકસ્માત નડ્યો; પરિવારમાં માતમ


વડોદરા શહેરના અટલાદરા-બિલ રોડ પર રહેતા અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા 28 વર્ષીય યુવાનનું માર્ગ અકસ્માતમાં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આજે વહેલી સવારે જ્યારે યુવાન બાઈક લઈને ચા પીવા માટે નીકળ્યો હતો, ત્યારે સામેથી આવતા એક ટેમ્પાએ તેને અડફેટે લીધો હતો. ગંભીર ઈજાઓને કારણે યુવાનનું સ્થળ પર જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.
મૂળ પશ્ચિમ બંગાળનો વતની 28 વર્ષીય અવિષેક અશોકભાઈ ગુપ્ત છેલ્લા કેટલાક સમયથી વડોદરાના અટલાદરા-બિલ રોડ પર આવેલી ઓરો રેસીડેન્સીમાં રહેતો હતો અને અહીંની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. સોમવારે વહેલી સવારે આશરે પાંચ વાગ્યાના સુમારે અવિષેક પોતાની બાઈક લઈને ચા પીવા માટે ઘરેથી નીકળ્યો હતો.
અવિષેક જ્યારે અટલાદરા નારાયણ વાડી પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટેમ્પા સાથે તેની બાઈકનો જોરદાર અકસ્માત થયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે અવિષેકને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ અટલાદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે યુવાનના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. અકસ્માત અંગેની જાણ અવિષેકના પશ્ચિમ બંગાળ સ્થિત પરિવારજનોને કરવામાં આવી હતી. પુત્રના મોતના સમાચાર સાંભળતા જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને તેઓ તાત્કાલિક વડોદરા આવવા રવાના થયા છે.
પરિવારજનો વડોદરા પહોંચ્યા બાદ મૃતદેહ તેમને સોંપવામાં આવશે. હાલમાં અવિષેકના મૃતદેહને ગોત્રી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે. અટલાદરા પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી ટેમ્પા ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.