નશાખોર શખ્સે શિવભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી; કૂવાનું મશીન અને પથ્થરો તોડ્યા, સ્થાનિકોમાં ભારે રોષ
“અમને જીવવા દો સાહેબ!” – પોલીસ પાસે ન્યાય માંગતા ત્રસ્ત રહીશો, આરોપી સામે ‘પાસા’ની માંગ



વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા પ્રાચીન અને ઐતિહાસિક શ્રી કામનાથ મહાદેવ મંદિરમાં ગત રાત્રે એક અસામાજિક તત્વ દ્વારા ભારે તોડફોડ કરવામાં આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. નવનાથ મહાદેવ પૈકીના એક એવા આ મંદિરના પરિસરમાં તોડફોડની સાથે આસપાસની વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કારેલીબાગ બાલભવન પાસે આવેલા ગાયકવાડી શાસનકાળના ઐતિહાસિક કામનાથ મહાદેવ મંદિરમાં રવિ ગોસ્વામી નામના શખ્સે નશાની હાલતમાં આતંક મચાવ્યો હતો. આ શખ્સે મંદિરના પરિસરમાં બેસાડવામાં આવેલા પથ્થરો તોડી નાખ્યા હતા તેમજ ભગવાનના અભિષેક માટે વપરાતા પાણીના કૂવાનું મોટર-મશીન પણ તોડી નાખ્યું હતું. આ નુકસાનને કારણે શિવભક્તોને પૂજા-અર્ચનામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
સ્થાનિક ટ્રસ્ટી હરીશભાઈ ગોસાઈના જણાવ્યા અનુસાર, આ શખ્સ અવારનવાર નશાકારક પદાર્થોનું સેવન કરી વિસ્તારમાં ભયનું વાતાવરણ ઉભું કરે છે. ગત રાત્રે તેણે માત્ર મંદિરમાં જ નહીં, પરંતુ આસપાસ પાર્ક કરેલી બાઈકોમાં પણ તોડફોડ કરી હતી અને રહીશો પર પથ્થરમારો કર્યો હતો. અગાઉ પણ આ શખ્સે અનેક લોકો પર હુમલા કર્યા હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદો ઉઠી છે.
મંદિરના પુજારી દિલીપગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, મંદિરમાં અસામાજિક તત્વોના અડ્ડા જામ્યા છે અને વારંવાર આવી ઘટનાઓ બને છે. સ્થાનિકોએ પોલીસ પાસે માંગ કરી છે કે આ માથાભારે તત્વ સામે ‘પાસા’ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે અને ધાર્મિક સ્થળની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.

– વધતો જતો નશો અને સુરક્ષા સામે સવાલ…
કારેલીબાગ વિસ્તારના રહીશોના આક્ષેપ મુજબ, આરોપી રવિ ગોસ્વામી ચરસ અને ગાંજા જેવા નશાકારક પદાર્થોના નશામાં અવારનવાર હિંસક બની જાય છે. અગાઉ તેણે તલવાર વડે હુમલો અને છરીબાજી જેવી ઘટનાઓ પણ આચરી છે. શ્રદ્ધાના કેન્દ્ર સમાન નવનાથ મહાદેવના મંદિરમાં થયેલી આ તોડફોડ બાદ હવે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. શું પોલીસ આવા માથાભારે તત્વો સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરશે?