

( પ્રતિનિધિ )વડોદરા,તા.29
બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરીને કારણે અલકાપુરી ગરનાળુ આગામી 12 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવ્યું છે અને શહેરીજનોને વૈકલ્પિક માર્ગો તરીકે જેતલપુર, અકોટા, પંડ્યા ફ્લાયઓવર, જેતલપુર અને પ્રિયલક્ષ્મી ગરનાળાનો ઉપયોગ કરવા જણાવાયું છે. જોકે અલકાપુરી ગરનાળુ બંધ થતાં આ ત્રણ વૈકલ્પિક માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધતા ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાની ફરજ પડી છે.
વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. ત્યારે, વડોદરાના અલકાપુરી રોડ અન્ડર બ્રિજ પાસે પ્રી-સ્ટ્રેસ્ડ કોન્ક્રીટ ગર્ડર લોન્ચિંગની કામગીરી હાથધરવામાં આવી છે. આ ગર્ડર લોન્ચિંગનું કાર્ય જમીનથી અંદાજે 20 મીટરની ઊંચાઈએ સલામતીપૂર્વક કરવામાં આવનાર હોવાથી સલામતીના હિતમાં આ રોડ અન્ડર બ્રિજને આગામી 12 જાન્યુઆરી 2026ના સમયગાળા દરમિયાન બંધ રાખવામાં આવ્યો છે. અગાઉ આ મામલે શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તેમજ શહેરીજનોને પણ વિનંતી કરવામાં આવી હતી કે, તેઓ પોતાની મુસાફરીનું પૂર્વ આયોજન કરી પંડ્યા બ્રિજ અને જેતલપુર આરઓબી મારફતે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે. ટ્રાફિકના સુચારુ સંચાલન માટે ટ્રાફિક માર્શલ તથા ડાયવર્ઝન બોર્ડ દ્વારા માર્ગદર્શનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોકે, અલકાપુરી ગરનાળુ બંધ હોવાથી વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવાની ફરજ પડી છે. શહેરના હાર્દ સમાન અલકાપુરી ગરનાળાને બંધ કરવામાં આવતા પંડ્યા બ્રિજ અને અકોટા બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. આ ગરનાળા પાસેજ રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેન્ડ નજીકમાંજ આવેલું હોવાથી દરરોજ મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહેતી હોય છે. ત્યારે આ ગરનાળુ બંધ હોવાથી મુસાફરો સાથે વાહનચાલકોને પણ ભારે હાલાકી ભોગવી પડી રહી છે.