National

અરવલ્લી કેસમાં પોતાના જ નિર્ણય પર સુપ્રીમનો સ્ટે

અરવલ્લી પર્વતમાળાને લઈને છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશમાં મોટો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની એક સમિતિએ સુપ્રીમ કોર્ટમાં ભલામણ કરી કે માત્ર 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા પર્વતોને જ અરવલ્લી ગિરિમાળા તરીકે માનવામાં આવે. આ ભલામણને સુપ્રીમ કોર્ટે ગત તા. 20 નવેમ્બરે માન્યતા આપી હતી.

આ નિર્ણય બાદ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સહિતના અરવલ્લી વિસ્તાર ધરાવતા રાજ્યોમાં ભારે વિરોધ શરૂ થયો હતો. પર્યાવરણવિદો અને સ્થાનિક લોકોએ આશંકા વ્યક્ત કરી હતી કે જો 100 મીટરથી ઓછી ઊંચાઈની ટેકરીઓને અરવલ્લીમાંથી બહાર રાખવામાં આવે તો મોટા પાયે ખાણકામ માટે માર્ગ ખુલ્લો થઈ જશે. લોકોનું કહેવું છે કે આ નિર્ણયથી ખાણ માફિયાઓને ફાયદો થશે અને અરવલ્લી પર્વતમાળાનો નાશ થવાની ભીતિ છે.

જેથી આ વિવાદ વધુ તીવ્ર બનતાં સુપ્રીમ કોર્ટે આ મામલાની સ્વપ્રેરિત રીતે નોંધ લીધી. આજે સુનાવણી દરમિયાન અદાલતે સ્પષ્ટ કર્યું કે અરવલ્લીની વ્યાખ્યા અંગે હજુ અનેક ટેકનિકલ અને પર્યાવરણીય મુદ્દાઓ સ્પષ્ટ થવાના બાકી છે.

આથી કોર્ટે 100 મીટર સંબંધિત અગાઉના આદેશ પર સ્ટે મૂકી દીધો છે અને નિષ્ણાતોની એક ઉચ્ચસ્તરીય સમિતિ રચવાનો આદેશ આપ્યો છે. આ સમિતિ અરવલ્લી પર્વતમાળાની ઓળખ, વ્યાપ અને પર્યાવરણીય અખંડિતતા અંગે તપાસ કરશે. આ મામલે આગામી સુનાવણી 21 જાન્યુઆરી 2026એ થશે.

આ દરમિયાન વધતા વિરોધને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પણ યુ-ટર્ન લીધો હતો. 24 ડિસેમ્બરે કેન્દ્ર સરકારે સ્પષ્ટ આદેશ જાહેર કર્યો કે અરવલ્લી વિસ્તારમાં કોઈપણ નવા ખાણકામ માટે મંજૂરી આપવામાં નહીં આવે. આ જાહેરાત બાદ થોડી હદ સુધી જનતાની ચિંતા ઓછી થઈ છે.

સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીને નોટિસ ફટકારી છે. અરવલ્લી પર્વતમાળા આ રાજ્યોમાં ફેલાયેલી છે અને તે વન્યજીવન, જળસ્તર અને પર્યાવરણ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે તમામની નજર આગામી 21 જાન્યુઆરીની સુનાવણી અને સમિતિના અહેવાલ પર ટકી છે.

Most Popular

To Top