Charchapatra

પતંગોત્સવ કે મરણોત્સવ

પીવાના પાણીની પ્લાસ્ટિક બોટલો વેસ્ટમાં જથ્થાબંધ ખરીદ્યા બાદ ઓગાળી બેહિસાબ નફાખોરી માટે જીવલેણ ચાઈનીઝ દોરી બનાવાય છે. આ ઉપરાંત ઉત્તરાયણમાં અઢળક રૂપિયા કમાવા માટે દાદરાનગર હવેલી અને સુરતથી ઘાતક ચાઈનીઝ દોરીના લાખો રૂપિયાનો ટેલર ટ્રાવેલ્સમાં મંગાવાય છે. યાર્નની આડમાં ફેકટરીમાં ચાઈનીઝ દોરીનું ઉત્પાદન કરાય છે. સાઈકલ અને બાઈક પર જતાં લોકો યા રાહદારીઓના ગાળામાં દોરી ફસાઈ જતાં રોડ પર લોહીલુહાણ હાલતમાં પટકાય છે અને કેટલીક વખત સારવાર અગાઉ જ મોતને ઘાટ ઉતરી જાય છે.

આ ઉપરાંત પંખીઓની પાંખો કપાવા અને ફસાઈને મરવા જેવા અગણિત કિસ્સાઓ બન્યા છે. ચાઈનીઝ તુક્કલોના વેપારની જાહેરાત ફોટા સાથે સોશિયલ મીડિયા પર વ્યાપકપણે થાય છે. ગુજરાતભરમાં ચાઈનીઝ દોરી, ગ્લાસકોટેડ નાયલોન, ચાઈનીઝ તુક્કલ પર ગુજરાતની વડી અદાલત અને પોલીસ ઓથોરીટિ દ્વારા પ્રતિબંધ હોવા છતાં ઉઘાડે છોગે આવા જોખમી અને ઘાતક ઉત્પાદનોના બેરોકટોક વેચાણ, ઉપયોગ, વપરાશ ચાલુ છે. પતંગ-દોરીથી મૃત્યુ નીપજ્યા અને ઈજા થયાના સૌથી વધુ બનાવો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, મહેસાણામાં બન્યા છે.
મણિનગર, અમદાવાદ- જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top