અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાએ ઉત્તર-પશ્ચિમ નાઇજીરિયામાં ચરમપંથી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) સમૂહ વિરુદ્ધ એક “શક્તિશાળી અને ઘાતક હુમલો” કર્યો છે. ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં અમેરિકન રાષ્ટ્રપતિએ આઇએસને “આતંકી કચરો” બતાવ્યો અને તેના પર “મુખ્યત્વે નિર્દોષ ખ્રિસ્તીઓને નિશાન બનાવવા અને ક્રૂરતાપૂર્વક હત્યા કરવાનો” આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે અમેરિકન સૈન્યે “ઘણાં બરોબર નિશાનો પરના હુમલા” કર્યા. જોકે, તેમણે આની સાથે સંકળાયેલી કોઈ વધારાની માહિતી ન આપી. એ સ્પષ્ટ નથી કે કેટલાં ઠેકાણાંને નિશાન બનાવાયાં અને આ હુમલો ક્યારે કરાયો.
નવેમ્બર માસમાં ટ્રમ્પે અમેરિકન સૈન્યને નાઇજીરિયામાં ‘ઇસ્લામિક ઉગ્રવાદી સમૂહો’ના સામના માટે કાર્વયાહીની તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. ગુરુવારે મોડી રાત્રે પોતાની પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે “મારા નેતૃત્વમાં અમારો દેશ કટ્ટર ઇસ્લામિક આંતકવાદને ચાલુ રહેવા નહીં દે.” નવેમ્બરમાં અપાયેલી ચેતવણીમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ એ સ્પષ્ટતા નહોતી કરી કે તેઓ કઈ હત્યાઓનો ઉલ્લેખ કરી રહ્યા છે. પરંતુ હાલના મહિનામાં અમેરિકના કેટલાંક દક્ષિણપંથી જૂથોમાં નાઇજીરિયામાં ખ્રિસ્તીઓ વિરુદ્ધ જનસંહારના દાવા કરાઈ રહ્યા છે. હિંસા પર નજર રાખતાં સંગઠનોનું કહેવું છે કે એવા કોઈ પુરાવા નથી કે જેનાથી સાબિત થાય કે નાઇજીરિયામાં મુસ્લિમોની સરખામણીએ ખ્રિસ્તીઓની હત્યા વધુ થઈ રહી છે.
નાઇજીરિયામાં બંને ધર્મના અનુયાયીઓની લગભગ સરખી વસતિ છે.આ પહેલાં ટ્રમ્પે નાઇજીરિયાને એક “વિશેષ ચિંતાવાળા દેશ” તરીકે જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે ત્યાં ખ્રિસ્તી વસતિ પર ખતરો છે. તેમણે કહ્યું હતું કે “હજારો” લોકોની હત્યા થઈ છે. જોકે, તેના સમર્થનમાં કોઈ પુરાવાર રજૂ નહોતા કર્યા. આ એક એવો દરજ્જો છે, જેને અમેરિકન વિદેશ મંત્રાલય એવા દેશોને આપે છે જે “ધાર્મિક સ્વતંત્રતાનાં ગંભીર ઉલ્લંઘનો”માં સામેલ હોય છે અને તેની અંતર્ગત પ્રતિબંધ લાદી શકાય છે. આ જાહેરાત બાદ રાષ્ટ્રપતિ ટિનૂબૂએ કહ્યું હતું કે તેમની સરકાર તમામ ધર્મોના સમુદાયોના રક્ષણ માટે અમેરિકા અને આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.
બોકો હરામ અને ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રાંત જેવાં ચરમપંથી જૂથોએ ગત એક દાયકાથી વધુ સમયથી ઉત્તર-પૂર્વ નાઇજીરિયામાં બારે તબાહી મચાવી છે અને હજારો લોકોની હત્યા કરી છે. જોકે, રાજકીય હિંસાનું વિશ્લેષણ કરનારા સંગઠન ઇસીએલઇડી પ્રમાણે, તેમાંથી મોટા ભાગના મૃતક મુસ્લિમ હતા. મધ્ય નાઇજીરિયામાંય પાણી અને ગોચર સુધી પહોંચ અંગે મોટા ભાગના મુસ્લિમ પશુપાલકો અને મોટા ભાગે ખ્રિસ્તી એવાં ખેતી કરતાં સમૂહો વચ્ચે વારંવાર હિંસક ઘર્ષણ થતાં રહે છે. પ્રતિશોધમાં કરાયેલા આ ઘાતક હુમલાના ચક્રમાં હજારો લોકોનાં મૃત્યુ થયાં છે, પરંતુ અત્યાચાર બંને પક્ષો તરફથી કરાયા છે. માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે ખ્રિસ્તીઓને વિશેષપણે નિશાન બનાવાઈ રહ્યા હોવાના કોઈ પુરાવા નથી.