Vadodara

વિશ્વ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં એક લાખથી પણ વધુ લોકોએ કથાનો લાભ લીધો

પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના બેટીજી પૂજ્ય ધીમહિ રાજાએ ભ્રમર ગીતની પ્રસ્તુતિ કરીને કથા મંડપમાં સૌને મંત્રમુગ્ધ કર્યા

વડોદરા:;વિશ્વ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ અને શ્રીમદ્ ભાગવત કથાના મંગલ સપ્તમ દિવસના શુભ પ્રસંગે પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના બેટીજી પૂજ્ય ધીમહિ રાજાએ ભ્રમર ગીતની પ્રસ્તુતિ કરીને કથા મંડપમાં સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન એજ્યુકેશન ના બાળકોએ પ્રાતઃ સ્મરણ, મંગલાચરણ અને પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી રચિત અને આપશ્રીના સ્વમુખે ગવાયેલ “એક બાર આજા ગિરિરાજ કી શરણમેં” દ્વારા સૌને અલૌકિક આનંદની અનુભૂતિ કરાવી હતી.

પૂજ્યશ્રીએ આપણી લાઈફસ્ટાઈલમાં રહેલી આદત વિશે જણાવતા કહ્યું હતું કે જો આદતને આપણે પોઝિટિવ લઈએ તો આદત પડતા ગમે તેટલી અઘરી વસ્તુને પ્રેક્ટિસમાં પરિવર્તન કરતા મનુષ્યને પરફેક્ટ બનાવે છે. જીવન સમસ્યા, ટેન્શન, આધિ વ્યાધી વગર શક્ય જ નથી એટલે જીવનને ચેલેન્જ આપીને ચડાવ ઉતાર નો સામનો કરીને લક્ષ્ય સુધી પહોંચવાના પ્રયત્ન કરવા જોઈએ . આપણી વિચારધારા ઉપર જીવનનું ઘડતર ઘડાય છે. સવારે ઊઠતાવેત આંખ બંધ રાખી, પલાઠી વાળીને ટટ્ટા બેસીને, ઊંડા શ્વાસ સાથે શ્રીકૃષ્ણ: શરણમ મમ મહમંત્ર નું ધ્યાન કરવું. પાંચ સેકન્ડનો એક શ્વાસ ધીરે ધીરે લેવાથી મન પર કાબુ(નિયંત્રણ) થઈ શકે છે.શ્વાસ ઉપર નિયંત્રણ થશે એટલે મન ઉપર પણ આપમેળે કંટ્રોલ થઈ જશે. ત્યારબાદ આંખ ખોલીને ભગવાનના સુંદર હસતા ચિત્રજીના દર્શન કરી દિવસની શુભ શરૂઆત કરવી જોઈએ.

જીવનમાં જ્યારે મનમાં અશાંતિ કે ગુસ્સો હોય ત્યારે કોઈ પણ પ્રકારના નિર્ણયો ન લેવા જોઈએ થોડો સમય જતા આપણું મન સ્થિર થઈ જશે ત્યારે આપણે પરિસ્થિતિને અનુકૂળ નિર્ણયો લઈને જીવનમાં આવતા કષ્ટ કે દુઃખને દૂર કરીને જીવન આનંદ અને પ્રસન્નતા યુક્ત બનાવી શકીશું.

શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ ભાગવતના દશમા સ્કંધના બે ભાગ પુર્વાર્ધ અને ઉત્તરાર્ધ પાડ્યા હતા. તે પ્રસંગે આપશ્રીએ જણાવ્યું કે પૂર્વાર્ધમાં શ્રીકૃષ્ણ લીલા છે. 11 વર્ષ અને 52 દિવસના શ્રીકૃષ્ણને સખાભાવથી લાડ લડાવાય છે અને આ વ્રજના શ્રીકૃષ્ણ દરેક પર કૃપા કરે છે એટલે પુર્વાર્ધમાં કૃપાધર્મની લીલાના દર્શન થાય છે. કૃપાધર્મમાં ઠાકોરજી દોષ સામે જોતા નથી ફક્ત ને ફક્ત પ્રેમ અને કૃપા જ કરે છે. આ લીલામાં ભક્તો શ્રીકૃષ્ણને તેના નામથી જ પુકારે છે ત્યારે તેને જ પ્રભુ યશ માને છે. રશિયામાં ભગવાનનુ યશોગાન હોવાથી અને સખાભાવના દિવસો હોવાથી રશિયામાં ભગવાનના ચરણારવિંદને ઢાંકીને રખાય છે જેથી વ્રજાધીશ પ્રભુ આપણા ઉપર કૃપા કરીને સખાભાવ પ્રગટ કરી શકે છે.

જ્યારે ઉત્તરાર્ધના પ્રસંગમાં ભગવાન મોટા થઈ જાય છે અને માખણચોર હવે શ્રીમથુરાધીશ કે શ્રીદ્વારકાધીશ બની જાય છે અને હવે પ્રભુ પાસે મર્યાદા આવી જાય છે એટલે ઉતરાર્ધ એ મર્યાદાની લીલા છે જેમાં પ્રભુ કર્મ અનુસાર ફળ આપે છે એટલે જીવનમાં સત્કર્મ, સત્સંગ, ભક્તિ, કીર્તન અને સેવાને મહત્વ આપવું જોઈએ. પૂર્વ જન્મના પ્રભાવ વિશે આપશ્રી એ જણાવ્યું હતું કે પૂર્વ જન્મમાં ભક્તિ અને સેવા સાથે જો ખરાબ વૃત્તિ કે વલણ હશે તો પ્રભુ હજી એક જન્મનો ફેરો આપશે એટલે પૂર્વ જન્મના સંસ્કાર પણ બીજા જન્મમાં મળે છે.

સત્સંગથી જીવનમાં પરિવર્તન આવે છે એટલે જીવનમાં સત્સંગ દ્વારા વિચાર અને દ્રષ્ટિકોણને બદલવો જોઈએ. ઈશ્વર ઈચ્છે ત્યારે તે આપણા કલ્યાણ માટે સત્સંગ કરાવે છે. આપણા શરીરમાં નવ દ્વાર છે દરેક દ્વારમાં ભગવાન સ્વયં બિરાજે છે આમ ભગવાન સૌના અંર્તયામી છે.

પુજયશ્રી એ આજે રુકમણી વિવાહના પ્રસંગે આજના યુવા અને યુવતીઓને સંદેશો આપ્યો હતો કે પરણવા માટેના જે સિદ્ધાંતો અને વિષયો મુજબ પરિવારમાં રહીને માતા પિતાએ ગોઠવેલ અને શોધેલ સારા, સુંદર, ભક્તિયુક્ત સેવા, સત્સંગ કરતા પરિવારને પ્રાધાન્ય આપવું જોઈએ.

કથામાં કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટિલ વિડિયો કોન્ફરન્સ ના માધ્યમથી વર્ચ્યુલી જોડાયા હતા.

Most Popular

To Top