ખુરશીઓ ઉછળતા ગ્રાહકોમાં નાસભાગ
ગ્રાહકો બેસાડવા જેવી નજીવી બાબતે ‘રાજસ્થાન ભેલ’ અને ‘રાજસ્થાન કુલ્ફી’ ના સંચાલકો આમને-સામને: પોલીસે 4 શખ્સોની અટકાયત કરી
વડોદરા : સંસ્કારી નગરીના ખાણી-પીણીના શોખીનો માટે જાણીતું કારેલીબાગનું રાત્રી બજાર ફરી એકવાર રણમેદાનમાં ફેરવાયું હતું. ગ્રાહકોને આકર્ષવા અને બેઠક વ્યવસ્થા બાબતે થયેલી જૂથ અથડામણને કારણે મોડી રાત્રે બજારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. મામલો એટલો બિચક્યો હતો કે બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી થતા અને ખુરશીઓ ઉછળતા ત્યાં હાજર પરિવારો જીવ બચાવીને ભાગવા મજબૂર બન્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા કોર્પોરેશન સંચાલિત આ રાત્રી બજારમાં છેલ્લા ઘણા સમયથી ગ્રાહકોને પોતાની દુકાન પર આકર્ષવા અને ટેબલ-ખુરશીઓ ગોઠવવા બાબતે દુકાનદારો વચ્ચે આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે. ગઈકાલે રાત્રે ‘રાજસ્થાન ભેલ’ અને ‘રાજસ્થાન કુલ્ફી’ નામના બે સ્ટોલના સંચાલકો વચ્ચે ખુરશીઓ મૂકવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
જોતજોતામાં આ બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને પક્ષોના માણસો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર તૂટી પડ્યા હતા. હોબાળો એટલો મોટો હતો કે ખાણી-પીણીની મજા માણી રહેલા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો પોતાની પ્લેટો છોડીને ભાગવા લાગ્યા હતા.
નોંધનીય છે કે, અગાઉ પણ આ વિસ્તારમાં માથાભારે તત્વોના ત્રાસ અને દુકાનદારોના ઝઘડાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જોકે અહીં પોલીસ ચોકી પણ ઉભી કરવામાં આવી છે, તેમ છતાં આવા અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર રહ્યો હોય તેમ લાગતું નથી. સ્થાનિક મુલાકાતીઓ હવે અહીં પરિવાર સાથે આવતા અચકાઈ રહ્યા છે. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
– પોલીસ એક્શન અને ધરપકડ…
બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરતા ચાર મુખ્ય આરોપીઓની અટકાયત કરી છે:
1.મનોજ સુબ્બારાવ વાઘેલા
2.લૌકેશ સુબ્બારાવ વાઘેલા
3.સુધીર રાધેશ્યામ સક્સેના
4.દિનેશ ચંદ્રપાલ શર્મા