કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે સંસદમાં જણાવ્યું હતું કે આવતા વર્ષે હાલની ટોલ કલેકશન સિસ્ટમ સંપૂર્ણ રીતે નાબૂદ કરી દેવાશે જેમાં હાલના ટોલ પ્લાઝાઓ ખસેડી દેવાશે.
આની જગ્યાએ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ(જીપીએસ)ના આધારે ટોલ વસૂલ કરવાની સિસ્ટમ લાવવામાં આવશે જેમાં વાહન જેટલા કિલોમીટર સુધી હાઇ-વે પર ચાલ્યું હોય તેટલા કિલોમીટર માટે જ ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવશે.
વાહન હાઇવે પર ચડે અને ઉતરે તેનું રેકર્ડીંગ જીપીએસ મારફતે કરવામાં આવશે. કોઇ વાહન એક પોઇંટ પરથી હાઇવે પર ચડીને ૩પ કિલોમીટર હાઇવે પર ચાલે છે તો તેને ફક્ત ૩પ કિલોમીટર માટે જ ટોલ ટેક્સ ભરવો પડશે. હાલ દરેક ૬૦ કિલોમીટરે ટોલ પ્લાઝા છે અને ઓછામાં ઓછા ૬૦ કિલોમીટર માટે ટોલ ભરવો પડે છે તેવું નહીં રહે.
જૂના વાહનોમાં જીપીએસ સિસ્ટમ સરકાર તરફથી મફત બેસાડી આપવામાં આવશે અને તમામ વાહનો પાસેથી ફાસ્ટેગ પદ્ધતિથી જ ટોલ ટેક્સ વસૂલ કરાશે એમ પણ તેમણે જણાવ્યું હતું.