Gujarat

‘રમશે બાળક ખીલશે બાળક’ પ્રકલ્પ અંતર્ગત આંગણવાડીના બાળકો માટે ચાલતા મનોરંજન પ્રવાસમાં મુખ્યમંત્રી પદ કે હોદ્દાનો ભાર છોડીને બાળકો સાથે બાળક બની જતાં સીએમ ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર,
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગાંધીનગર લોકસભા મતવિસ્તારની આંગણવાડીનાં બાળકો માટે દર બીજા અને ચોથા શનિવારે મનોરંજન પ્રવાસ યોજાય છે, જેમાં આજે “રમશે બાળક ખીલશે બાળક’ પ્રકલ્પ અંતર્ગત આંગણવાડીના બાળકો માટે ચાલતા “મનોરંજન પ્રવાસમાં” ફન બ્લાસ્ટ, અમદાવાદ ખાતે સીએ ભુપેન્દ્ર પટેલ સહભાગી થઈ બાળકો સાથે ગોષ્ઠિ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર સંસદીય ક્ષેત્રના ઉપક્રમે “રમશે બાળક ખીલશે બાળક” ઉમદા અભિયાન અંતર્ગત ગાંધીનગર સંસદીય ક્ષેત્રની આંગણવાડીના બાળકો માટે રમકડાં વિતરણ તેમજ મનોરંજન પ્રવાસ કાર્યરત છે. ગરીબ બાળકના જીવનમાંથી અસંતોષ દૂર થાય અને તેમના ચહેરા પર હાસ્ય રેલાવી શકાય, બાળપણને માણવાની આ બાળકોને મનોરંજન માટે સમાન તક મળે તેવા માનવીય સંવેદના સાથેના આ અભિગમના અનુસંધાને પ્રત્યેક મહિનાના બીજા અને ચોથા શનિવારે લોકસભામાં સમાવિષ્ટ વિભિન્ન વિધાનસભા ક્ષેત્રોની આંગણવાડીના બાળકો માટે મનોરંજન પ્રવાસ યોજવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાંથી બિન વપરાશી રમવા લાયક એકત્રિત કરાયેલા રમકડાઓનું વિતરણ પણ આ પ્રવાસ દરમિયાન કરવામાં આવી રહ્યું છે.

આ અનુપમ પહેલનો આરંભ વર્ષ ૨૦૨૩ના ઓગસ્ટ માસથી કરવામાં આવ્યો હતો. જેમાં પ્રત્યેક પ્રવાસમાં બે થી ત્રણ આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોનો સમાવેશ કરવામાં આવે છે. ૨૦૨૩માં ૪૨૫ અને ૨૦૨૫ માં ૨૧૫ આંગણવાડીઓના સમાવેશ સાથે વર્તમાન સ્થિતિએ કુલ ૩૩૦૦ થી વધુ બાળકોને આ ઉમદા પ્રવાસનો આનંદ માણવા મળ્યો છે. ૧૪ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ શાહ પણ આ મનોરંજન પ્રવાસમાં સ્વયં ઉપસ્થિત રહીને બાળકો સાથે ગોષ્ઠિ કરી ચૂક્યા છે.

આ અભિયાન હેઠળ જ ફન બ્લાસ્ટ, અમદાવાદ ખાતે આંગણવાડીના બાળકો માટે યોજાયેલ મનોરંજન પ્રવાસમાં સીએમ ભુપેન્દ્ર પટેલે ઉપસ્થિતિ રહી નાના ભૂલકાઓ સાથે ગોષ્ઠિ અને પ્રશ્નોતરી કરી હતી. તેમજ મનોરંજન પ્રવૃતિઓમાં ભૂલકાઓને સાથે રાખી સહભાગી થઈ રમકડાઓનું પણ વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ભૂલકાઓ સાથે જ્ઞાન ગોષ્ઠિ કરતા દેશનાં વડાપ્રધાન, ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ કોણ છે તે અંગે કરેલ પ્રશ્નોતરીના ભૂલકાંઓએ સચોટ જવાબ પણ આપ્યા હતા. મુખ્યમંત્રીએ બાળકોને વિવિધ ગેમ્સ રમતા નિહાળ્યા હતા તથા તેમની સાથે સંવાદ પણ સાધીને બાળકોની કાલીઘેલી વાતો સાંભળી હતી અને બાળકોને નાસ્તો કરાવ્યો હતો. મુખ્યમંત્રી દ્વારા બાળકોને રમકડાંનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. બાળકો સાથે સંવાદ સાધતાં અને વાતો કરતાં કરતાં મુખ્યમંત્રી પદ કે હોદ્દાનો ભાર છોડીને બાળક સાથે બાળક બની ગયા હતા અને ‘દાદા’ બનીને ભૂલકાંઓ પર મબલખ વહાલ વરસાવ્યું હતું.આજના મનોરંજન પ્રવાસમાં ગાંધીનગર સંસદિય મતક્ષેત્રના સાણંદ અને દસ્ક્રોઈ તાલુકાની આંગણવાડીઓનાં ૨૭૫ જેટલાં બાળકો સહભાગી થયાં હતાં. સાણંદ નગરપાલિકામાં આવતી આંગણવાડીઓ ઉપરાંત ચેખલા, નીધરાડ, ગોધાવી, મણિપુર, ગરોડિયા, ગીબપુરા, લાયપુર, માધવનગર, ગોલવાડ, કાણેટી વગેરેની આંગણવાડીઓ તો દસ્ક્રોઈ તાલુકાના કાસિંદ્રા, લીલાપુર, રાહપુરા, ખોડીયાર, લપકામણ વગેરેની આંગણવાડીનાં બાળકો આ મનોરંજન પ્રવાસમાં સહભાગી બન્યાં હતાં.

Most Popular

To Top