SURAT

હેલ્મેટ ન પહેરનારાને ફૂલ આપો, હર્ષ સંઘવીનું પોલીસને સૂચન

સુરતના તાપી કિનારે માત્ર અઢી મહિનાના ટૂંકા સમયગાળામાં તૈયાર થયેલા અદ્યતન ‘અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન’નું આજે 27 ડિસેમ્બર શનિવારના રોજ રાજ્યના ગૃહ અને ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ પોલીસ અને જનતાને સંબોધતા સુરક્ષા, છેતરપિંડી અને ખાસ કરીને હેલ્મેટના મુદ્દે મહત્વપૂર્ણ મેસેજ પણ આપ્યો.

  • સુરતના 41માં પોલીસ સ્ટેશનનું ઉદ્દઘાટન
  • તાપી કિનારે અઢી મહિનામાં એ.કે. રોડ પોલીસ સ્ટેશન બનીને તૈયાર થયું
  • નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવા પોલીસ સ્ટેશનનું ઉદ્દઘાટન કર્યું

હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પોલીસનું કામ જનતાના ખિસ્સા ખાલી કરવાનું નથી પરંતુ જનતાના જીવ બચાવવાનો છે. હેલ્મેટ ન પહેરનાર લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવા કરતાં તેમને ફૂલ આપીને સમજાવવાનો અનોખો અભિગમ અપનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે “અકસ્માતમાં થનારા મોટા ભાગના મોત હેલ્મેટ ન પહેરવાના કારણે થાય છે. આ દંડનો નહીં જીવ બચાવવાનો વિષય છે.”

છેતરપિંડીમાં ભોગ બનેલા વેપારીઓને પોતાની રકમ પરત
જોકે આ કાર્યક્રમ દરમિયાન ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ એક વેપારીને છેતરપિંડીમાં ગુમાવેલા 52 લાખની રોકડ પરત સોંપવામાં આવી. આ રોકડ ભરેલું બોક્સ વેપારીને આપતા સમયે હર્ષ સંઘવીએ મજાકિયા અંદાજમાં કહ્યું કે “મહેનતની કમાણી આજે સહી-સલામત પરત આવી છે.” વેપારીની આંખોમાં આ ક્ષણે ભાવુકતા જોવા મળી હતી.

સંઘવીની અસામાજિક તત્વોને ચેતવણી
પોલીસ સ્ટેશન અંગે સંઘવીએ કડક મેસેજ આપતા કહ્યું કે અશ્વિનીકુમારની ભૂમિમાં ગુનેગારોએ યાદ રાખવું જોઈએ કે અહીં શું છે. સ્મશાનનો આડકતરો ઉલ્લેખ કરીને તેમણે અસામાજિક તત્વોને ચેતવણી આપી કે સુરતના વેપારીઓને પરેશાન કરનારને છોડવામાં નહીં આવે.

અંતે હર્ષ સંઘવીએ સુરત પોલીસને આદેશ આપ્યો કે છેતરપિંડી કરનાર કોઈપણ વ્યક્તિ રાજ્યની બહાર હોય તો પણ તેને શોધી કાયદાની સામે લાવવામાં આવે. અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન હવે સુરક્ષાનું પ્રતીક અને અસામાજિક તત્વો માટે ભય બની ગયું છે.

Most Popular

To Top