બોલિવૂડના જાણીતા અભિનેતા અક્ષય ખન્ના હાલમાં ફિલ્મ ‘ધુરંધર’ની ઐતિહાસિક સફળતાનો આનંદ માણી રહ્યા છે. આ ફિલ્મે વિશ્વભરમાં 1000 કરોડથી વધુ કમાણી કરી છે. જોકે આ સફળતા વચ્ચે અક્ષય ખન્ના એક વિવાદને લીધે ચર્ચામાં છે. ધુરંધરની સફળતા બાદ અક્ષય ખન્નાએ ‘દ્રશ્યમ 3’ છોડવાનો નિર્ણય લીધો છે. હવે આ મુદ્દે ફિલ્મના પ્રોડ્યૂસર કુમાર મંગત પાઠકે પણ પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
બોલિવૂડ હંગામાને આપેલા ઈન્ટરવ્યૂમાં કુમાર મંગત પાઠકે જણાવ્યું કે ‘દ્રશ્યમ’ એક મજબૂત બ્રાન્ડ છે અને કોઈ એક અભિનેતા પર આધારિત નથી. તેમણે કહ્યું “અક્ષય ખન્ના ફિલ્મમાં હોય કે ન હોય, ફ્રેન્ચાઇઝ પર કોઈ અસર પડતી નથી. હવે અક્ષયની જગ્યાએ જયદીપ અહલાવતને કાસ્ટ કરવામાં આવ્યો છે અને ભગવાનની કૃપાથી અમને વધુ સારો અભિનેતા અને વધુ સારો માણસ મળ્યો છે.”
અક્ષયને પ્રોડ્યુસરે નોટિસ મોકલી
પ્રોડ્યૂસરે અક્ષય ખન્નાના વર્તન અંગે અસંતોષ વ્યક્ત કરતા કહ્યું કે તેઓ આ મામલે કાનૂની કાર્યવાહી કરશે. તેમણે જણાવ્યું કે અક્ષય ખન્નાને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.
અક્ષય ખન્નાએ 21 કરોડ ફી માગી હોવાની ચર્ચા
અહેવાલો અનુસાર અક્ષય ખન્નાએ ‘દ્રશ્યમ 3’ માટે 21 કરોડની ફી માગી હતી. જે ફિલ્મ નિર્માતાઓ માટે બજેટથી વધુ હતી. આ ઉપરાંત અક્ષય ખન્નાએ ફિલ્મમાં વિગ પહેરવાની માંગ પણ કરી હતી. જે સિક્વલ માટે યોગ્ય ન હોવાથી ડાઇરેક્ટરોએ આ માંગ સ્વીકારી ન હતી. બાદમાં બંને પક્ષો વચ્ચે સહમતિ ન બની શકતા અક્ષય ખન્નાએ ફિલ્મમાંથી બહાર થવાનો નિર્ણય લીધો.
ઉલ્લેખનીય છે કે ‘દ્રશ્યમ’ મૂળ મલયાલમ ફિલ્મ છે. જેને જીતુ જોસેફે દિગ્દર્શિત કરી છે. જોકે ‘દ્રશ્યમ 3’ ફ્રેન્ચાઇઝની અંતિમ ફિલ્મ 2 ઓક્ટોબર 2026ના રોજ રિલીઝ થવાની છે.