ભારતમાં ગુરુવારે કોરોનાના નવા 35,871 કેસ નોંધાયા હતા. જે છેલ્લા 100 દિવસમાં કરતાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં કુલ કેસોનો આંકડો 1,14,74,605 થયો છે.
દેશમાં સતત આઠ દિવસથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે એક્ટિવ કેસની સંખ્યા વધીને 2,52,364 પર પહોંચી ગઈ છે. જે કુલ ચેપના 2.20 ટકા છે. સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર, કોરોના સામે રિકવરી રેટ ઘટીને 96.41 ટકા થઈ ગયો છે.
દેશમાં કોરોનાથી નવા 172 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,59,216 થયો છે. આ અગાઉ, 102 દિવસ પહેલા 36,011 કેસ 06 ડિસેમ્બરે નોંધાયા હતા.
દેશમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 1,10,63,025 થઈ ગઈ છે. કોરોના સામે મૃત્યુદર 1.39 ટકા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અનુસાર, દેશમાં બુધવારે 10,63,379 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે કુલ ટેસ્ટનો આંકડો 23,03,13,163 થયો છે.
દેશમાં કોરોનાથી થયેલા 172 મૃત્યુમાં મહારાષ્ટ્રના 84, પંજાબના 35 અને કેરળના 13 લોકોનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૨૫૮૩૩ કેસ, અત્યાર સુધીના સૌથી વધુ
પીટીઆઇ, મુંબઇ, તા. 18 મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોનાના નવા 25,833 કેસ નોંધાયા હતા. જે ગયા વર્ષના માર્ચ મહિના પછી એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.
આરોગ્ય અધિકારી જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો 23,96,340 પર પહોંચી ગયો છે. ત્યાં નવા 58 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક વધીને 53,138 થઈ ગયો છે. આ અગાઉનો રેકોર્ડ 24,886 કેસનો હતો, જે ગયા વર્ષે 11 સપ્ટેમ્બરના રોજ નોંધાયા હતા.
મહારાષ્ટ્રમાં ગુરુવારે 12,764 દર્દીઓએ કોરોનાને મહાત આપી હતી. જે આ વર્ષે એક દિવસમાં સાજા થયેલા લોકોમાં સૌથી વધુ છે.
મહારાષ્ટ્રમાં અત્યારે 1,66,353 સક્રિય કેસ છે. મુંબઈમાં કોરોના સંક્રમિત થયેલા લોકોનો આંકડો વધીને 5,5૨,851 થયો છે જ્યારે, નવા આઠ મોત સહિત કુલ મૃત્યુઆંક 11,559 પર પહોંચી ગયો છે. મુંબઈમાં પણ કોરોનાના નવા ૨૮૭૭ કેસ નોંધાયા છે જે અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસો છે. વધુ 8નાં મોત સાથે મરણાંક ૧૧૫૫૫ થયો છે. 7મી ઓક્ટોબરે મુંબઈમાં ૨૮૪૮ કેસો નોંધાયા હતા. 2800થી વધારે કેસ એક જ દિવસે આવ્યા હોય એવું આ ત્રીજી વાર છે.