ઈકોનોમી અને ફાઈનાન્સના પ્રોફેસર, જીવનભર પૈસાનું મેનેજમેન્ટ અને અર્થ શાસ્ત્ર ભણાવવામાં કાઢ્યા આજે તેમનો ૮૦ મો જન્મદિન હતો અને સાથેસાથે સરકાર તરફથી પદ્મશ્રી સન્માન પણ મળ્યું હતું એટલે બમણી ઉજવણીની મોટી પાર્ટી તેમના પરિવારે રાખી હતી. પ્રોફેસર આનંદમાં હતા પ્રોફેસરના એક મિત્રે કહ્યું, ‘આજે મોકો છે આપણા અનુભવ સમૃદ્ધ પ્રોફેસર સાહેબ પાસેથી જીવનનો નિચોડ જાણી લઈએ.’ બધા પ્રોફેસર સાહેબ શું કહે છે તે જાણવા ઉત્સુક બન્યા. પ્રોફેસર સાહેબ માઈક પર આવ્યા અને બોલ્યા, ‘જીવનનો નિચોડ તો હું શું સમજવું પણ હા મારા જીવનના અનુભવ પરથી ખાસ વાતો મારે યુવા પેઢીને સમજાવવી છે તે કહું છું.
પહેલી વાત કે મારે ખાસ યુવા વર્ગને કહેવું છે કે આડેધડ પૈસા વાપરતા પહેલા પૈસા કમાવાનું શીખો, પૈસા કમાવાનું શીખ્યા બાદ તેને વાપરવાની શરૂઆત કરતાં પહેલાં પૈસા બચાવતા શીખો અને પૈસા બચાવ્યા બાદ તેને બરાબર ઇન્વેસ્ટ કરતાં શીખો. જીવનમાં માત્ર પૈસા કમાવવા અને વાપરવા જરૂરી નથી, પૈસા સદમાર્ગે વાપરવા પૈસા સારી રીતે કમાવા નીતિથી કમાવા અને આડેધડ ઉડાડવા કરતાં અન્યને મદદરૂપ થવું. બચત કરવી ભવિષ્યના સુધાર માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું આ બધું જ બહુ જ બહુ જ મહત્વનું છે.’ પ્રોફેસરદાદા આ વાત કરતા હતા ત્યારે તેમની નાનકડી પૌત્રી ફટાફટ પોતાના ફોનમાં આ બધી વાતો લખી રહી હતી પ્રોફેસર દાદા તેને જોઈને હસ્યા અને બોલ્યા, ‘ હવે પછીની મારી વાત એ જ છે કે એક એક શબ્દ જ્યારે તમે લખો તે બરાબર વિચારીને સમજીને લખો દરેક લખેલા શબ્દની પાછળ તમારું મનન અને ચિંતન હોવું ખૂબ જ જરૂરી છે અને આ લખેલો શબ્દ વંચાશે ત્યારે તે વિચારો આગળ ફેલાશે.’
પ્રોફેસર દાદા આટલું બોલીને અટક્યા પછી બોલ્યા, ‘તમને લાગશે કે પ્રોફેસર છું એટલે લાંબુલચક લેકચર આપું છું એમ નથી બસ હવે એક છેલ્લી વાત જીવનમાં કોઈપણ અઘરી લડત, કોઈપણ અઘરું કાર્ય, કોઈપણ તકલીફથી ભાગો નહીં.વધુને વધુ મહેનત કરો વધુ ને વધુ પ્રયત્ન કરો. કોઈપણ વસ્તુને છોડી દેતા પહેલા વધુને વધુ પ્રયત્ન કરો જ્યારે મન એમ કહે કે હવે તો પ્રયત્ન છોડી દેવા છે ત્યારે મને યાદ કરીને વધુ એક વાર પ્રયત્ન કરજો બસ આજ જીવન છે.’ પ્રોફેસરે પોતાના અનુભવમાંથી ખાસ વાતો સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.