Charchapatra

94 વર્ષની વયે 4 ગોલ્ડ મેડલ મેળવતા રાજસ્થાનના પાનાદેવી ગોદારા

સમર્પણ અને પ્રચંડ પુરુષાર્થથી કોઇ પણ અવરોધને પાર કરી શકાય છે. સ્વપન પૂર્ણ કરવાની કોઇ એકસપાયરી ડેટ હોતી નથી. આ વિધાન પ્રમાણે 94 વર્ષની વયે રાજસ્થાન બીકાનેરના પાનાદેવી ગોદારાએ જે શક્તિ, શિસ્ત અને દૃઢ નિશ્ચયનું ઉદાહરણ પૂરુ પાડ્યું તે આજની મહિલાઓ માટે પ્રેરક છે. નવે. 25માં ચેન્નાઈ ખાતે યોજાયેલી 23મી એશિયન માસ્ટર્સ એથ્લેટિકસ ચેમ્પીયનશિપમાં ચારચાર ગોલ્ડ મેડલ શોર્ટપુટ (ગોળાફેંક) ડિસ્કસ થ્રો (ચક્ર ફેંક) જ્વેલિન થ્રો (ભાલાફેંક અને 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવી સૌને આશ્ચર્ય ચક્તિ કરી દીધાનાં સમાચાર છે. આ અભિનંદનીય છે, બેંગ્લોરમાં યોજાયેલી 45 મી નેશનલ માસ્ટર્સ એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં પણ તેમણે છાપામાં હેડલાઈન્સ બનાવી હતી. રાજસ્થાન-બીકાનેરની ચૌધરી કોલોનીમાં રહેતા પાનાદેવી રમતગમતની સાથે સાથે ઘરની જવાબદારી પણ ખૂબ જ સહજતાથી નિભાવે છે. ગાય ભેંસોની સંભાળ રાખે છે. સ્ટેડિયમમની બહાર પણ શારિરીક શ્રમ અને સક્રિયતા એ એમની રોજિંદી જીવનશૈલીનો એક ભાગ છે. તેની આ ભવ્ય સફળતાનું શ્રેય તેઓ પોતાની એક કડક અને શિસ્ત બદ્ધ જીવનશૈલીને ગણાવે છે. 90 વર્ષ પછી પણ શારીરિક પ્રવૃત્તિઓ થકી યુવાનોને ટક્કર મારે તેવી ફિટનેશ જાળવી શકયા છે. મહિલાઓ માટે તેઓ એક સંદેશ આપે છે કે ઉંમર એ કોઇ મર્યાદા હોતી નથી. તેઓ ભારતનું ગૌરવ છે. બહેન દિકરીઓ તમે પણ અમદાવાદમાં યોજાનારા કોમનવેલ્થ મહોત્સવમાં અત્યારથી જ તૈયાર કરી મેડલો મેળવો એ શુભેચ્છા.
તાડવાડી, રાંદેર – રમિલા પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top