ગાંધીનગર,
સ્વચ્છ અને ટકાઉ ઊર્જાના ક્ષેત્રમાં ગુજરાતે વધુ એક ઐતિહાસિક પગલું ભરીને નવી ગ્રીન હાઈડ્રોજન પોલિસી જાહેર કરી છે. 31 ડિસેમ્બર 2035 સુધી અમલમાં રહેનારી આ પોલિસી અંતર્ગત ગુજરાત માટે 2035 સુધી 3 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MMTPA) ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. રાજય સરકારના ઊર્જા વિભાગ દ્વારા તૈયાર કરાયેલા રોડમૅપ મુજબ આશરે 30 GW ઇલેક્ટ્રોલાઈઝર ક્ષમતા અને 75 GW રિન્યુએબલ એનર્જી ક્ષમતા ઉમેરવાની યોજના છે. આ સમગ્ર ઇકોસિસ્ટમથી ₹5 લાખ કરોડ સુધીનું રોકાણ આકર્ષાય તેવી શક્યતા છે અને અંદાજે 6 લાખ નવા રોજગાર સર્જાશે.
ઇલેક્ટ્રોલિસિસ આધારિત ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ્સ માટે પોલિસીમાં પ્રતિ મેગાવોટ ₹1 કરોડની મર્યાદા સાથે 20 ટકા કેપિટલ સબસિડી જાહેર કરવામાં આવી છે. બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) માટે પ્રતિ મેગાવોટ-આવર ₹18 લાખ સુધીની સબસિડી તેમજ ઓક્સિજન બાય-પ્રોડક્ટ બોટલિંગ માટે અલગ પ્રોત્સાહન મળશે. રિન્યુએબલ પાવર આધારિત પ્રોજેક્ટ્સને ટ્રાન્સમિશન અને વ્હીલિંગ ચાર્જિસમાં પાંચ વર્ષ માટે 50 ટકા રિઇમ્બર્સમેન્ટ આપવામાં આવશે, જ્યારે જમીન ખરીદી અથવા લીઝ માટે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જિસની 100 ટકા પરતફેરની જોગવાઈ રાખવામાં આવી છે.
બાયોમાસ આધારિત ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ્સ માટે પ્રતિ kTPA ₹8 કરોડ સુધીની વિશેષ કેપિટલ સબસિડી જાહેર કરાઈ છે. ગ્રીન હાઈડ્રોજન હબના વિકાસ માટે ઉત્પાદન, સંગ્રહ અને વિતરણ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹35 કરોડ સુધીની સહાય મળશે. હાઈડ્રોજન આધારિત મોબિલિટી વધારવા માટે પ્રથમ 20 હાઈડ્રોજન રિફ્યુઅલિંગ સ્ટેશનોને 30 ટકા કેપિટલ સબસિડી (પ્રતિ સ્ટેશન મહત્તમ ₹4 કરોડ) અને ગ્રીન હાઈડ્રોજન સંચાલિત બસો તથા હેવી વ્હીકલ્સ માટે પ્રતિ વાહન ₹50 લાખ સુધીની સહાય આપવામાં આવશે.
પોલિસી હેઠળ MSMEs દ્વારા ગ્રીન હાઈડ્રોજન અપનાવા માટે પાંચ વર્ષ સુધી પ્રતિ કિલો ₹50 ઉપયોગ પ્રોત્સાહન આપવામાં આવશે, જ્યારે સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) ઓપરેટર્સને CNG/PNG નેટવર્કમાં ગ્રીન હાઈડ્રોજન બ્લેન્ડિંગ માટે પ્રતિ કિલો ₹50 પ્રોત્સાહન મળશે. ડીસેલિનેશન પ્લાન્ટ્સ, પોર્ટ-લિન્ક્ડ એક્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન ટ્રાન્સમિશન કોરિડોરને પણ પોલિસીમાં આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આરએન્ડડી, સેન્ટર્સ ઑફ એક્સેલન્સ, સ્કિલ ડેવલપમેન્ટ અને સ્ટાર્ટઅપ્સ માટે ₹100 કરોડનું બજેટરી સપોર્ટ ફાળવવામાં આવ્યું છે. ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (GPCL)ને નોડલ એજન્સી બનાવવામાં આવી છે અને સિંગલ વિન્ડો પોર્ટલ મારફતે ઝડપી મંજૂરી તથા પારદર્શક અમલ સુનિશ્ચિત કરાશે, જે ગુજરાતને દેશના ગ્રીન હાઈડ્રોજન હબ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વમહત્વનુ પગલું સાબિત થશે.