National

ઉદયપુરમાં મહિલા IT મેનેજર સાથે કારમાં ગેંગરેપ, કંપનીના CEO સહિત 3ની ધરપકડ

રાજસ્થાનના ઉદયપુરમાં એક આઈટી કંપનીની મહિલા મેનેજર સાથે ચાલતી કારમાં ગેંગરેપ થયાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે કંપનીના સીઈઓ, એક મહિલા એક્ઝિક્યુટિવ હેડ અને તેના પતિની ધરપકડ કરી છે. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચાવી છે.

પીડિતાએ પોલીસને આપેલી ફરિયાદ મુજબ ગત તા. 20 ડિસેમ્બરે શોભાગપુરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં કંપનીના સીઈઓના જન્મદિવસ અને નવા વર્ષની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પીડિતા રાત્રે લગભગ 9 વાગ્યે પાર્ટીમાં પહોંચી હતી. કાર્યક્રમ મોડી રાત સુધી ચાલ્યો અને અંદાજે 1:30 વાગ્યે પૂર્ણ થયો. આ દરમિયાન પીડિતાની તબિયત બગડવા લાગી હતી અને તેણે ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આરોપ છે કે ત્યારબાદ ‘આફ્ટર પાર્ટી’ના બહાને પીડિતાને કારમાં બેસાડવામાં આવી. કારમાં કંપનીના સીઈઓ, મહિલા એક્ઝિક્યુટિવ હેડનો પતિ હાજર હતા. પીડિતાને કહેવામાં આવ્યું હતું કે તેને ઘરે મૂકવામાં આવશે. પીડિતાને કારમાં બેસાડ્યા બાદ રસ્તામાં કાર એક દુકાન પાસે રોકી ત્યાંથી ધૂમ્રપાનની સામગ્રી ખરીદવામાં આવી.

ત્યારબાદ પીડિતાને કારમાં ધૂમ્રપાન કરવા માટે કહેવામાં આવ્યું. થોડા જ સમય બાદ તેણીને ચક્કર આવવા લાગ્યા અને અર્ધબેહોશ થઈ ગઈ હતી. ત્યારપછી શું બન્યું તેની તેને સ્પષ્ટ યાદ નથી.

પીડિતાના જણાવ્યા મુજબ ત્યારબાદની ઘટનાઓ તેને સ્પષ્ટ રીતે યાદ નથી. આ ઘટના રાત્રે 1:45થી સવારે 5 વાગ્યા વચ્ચે બની હોવાનો આરોપ છે.

સવારે પીડિતાને તેના ઘર નજીક છોડી દેવામાં આવી. ઘરે પહોંચ્યા બાદ જ્યારે તેણી સંપૂર્ણ ભાનમાં આવી ત્યારે તેના શરીર પર ઇજાઓ, દુ:ખાવો અને ઉઝરડા જોવા મળ્યા. સાથે જ તેના કાનની એક બુટ્ટી, મોજાં અને અંડરગાર્મેન્ટ ગાયબ હોવાનું જણાયું.

પીડિતાએ બાદમાં કારના ડેશકેમના ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ તપાસ્યા હતા. જેમાં મળેલી વિગતોને આધારે તેણે ઉદયપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક યોગેશ ગોયલના જણાવ્યા અનુસાર, તબીબી અહેવાલો અને ટેકનિકલ પુરાવાના આધારે તપાસ કરી આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને કેસની વધુ તપાસ ચાલુ છે.

Most Popular

To Top