કચ્છ જિલ્લામાં આજે 26 ડિસેમ્બર વહેલી સવારે ભૂકંપની તીવ્ર આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આજે શુક્રવારે લગભગ સવારના 4:30 વાગ્યે કચ્છના રાપર પંથકમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકો અચાનક ધ્રુજતી ધરા અનુભવી ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. કેટલાક વિસ્તારોમાં લોકો દોડી ખુલ્લા વિસ્તારમાં જતાં રહ્યા હતા.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ગાંધીનગરના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી અંદાજે 22 કિલોમીટર દૂર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલા ગેડી ગામ નજીક નોંધાયું હતું. ભૂકંપ જમીનથી માત્ર 9 કિલોમીટર ઊંડાઈએ આવતા તેની અસર વધુ અનુભવાઈ હતી. રાપર ઉપરાંત ભચાઉ, અંજાર અને આસપાસના ગામડાઓમાં પણ આંચકાનો સ્પષ્ટ અનુભવ થયો હતો.
મુખ્ય આંચકા બાદ પણ આફ્ટરશોકની અસર જોવા મળી હતી. અત્યાર સુધીમાં 8થી વધુ નાના-મોટા આફ્ટરશોક નોંધાતા લોકોમાં ભય અને ચિંતા વધી હતી. ઘણા લોકોએ પોતાના ઘરની બહાર આવી પરિવારજનો સાથે સુરક્ષિત સ્થળે સમય વિતાવ્યો હતો.
કચ્છ જિલ્લો સિસ્મિક ઝોન-5માં આવતો હોવાથી અહીં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. જોકે આજનો 4.6ની તીવ્રતાનો ભૂકંપ પ્રમાણમાં શક્તિશાળી ગણાતા લોકોમાં 26 જાન્યુઆરી 2001ના વિનાશક ભૂકંપની ભયાવહ યાદો ફરી તાજી થઈ ગઈ હતી.
સદનસીબે હાલ સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિને મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. જિલ્લા વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.