Charchapatra

સમાજ કરે સફળતાનો વિરોધ?

ગાયક કલાકાર કિંજલ દવે અને ધ્રુવિન શાહના આંતરજ્ઞાતિય સંબંધ મુદ્દે ચર્ચાએ સમાજમાં વ્યાપક જોર પકડયું છે. જે અન્વયે કિંજલ દવેના પિતા લલિત દવેનો તેમના સમાજમાં આજીવન બહિષ્કાર કરવામાં આવ્યો છે. હવેથી તેમને સમાજના કોઇપણ પ્રસંગમાં આવકારવામાં નહીં આવે અને તેમને સાથ આપનાર સામે પણ પગલાં લેવાશે. અહીં કિંજલ દવેના પિતાએ વિરોધીઓને સણસણતો જવાબ આપતા કહ્યું, કે ‘અમારે કોઇના સર્ટિફિકેટની જરૂર નથી. આજે આંતરજ્ઞાતીય લગ્નો તો ગણા થાય છે. આ કંઇ અપવાદરૂપ કિસ્સો તો નથી જ.

ધ્રુવિન શાહ એક સારા પરિવારમાંથી આવતો વેલસેટલ્ડ યુવાન છે. કિંજલ દવે એક નાની ઉંમરે સફળતાના શિખરે પહોંચેલી યુવતી છે. અને કદાચ આ જ સફળતા તેના સમાજ માટે વિરોધ કરવા માટેનો માપદંડ બની ગઇ હોય એવું નથી લાગતું? જ્યારે જે તે વ્યક્તિના સંઘર્ષયુક્ત કપરાં સમયમાં નહિ પણ સફળતા પર સમાજનો અધિકાર? શું આજે પણ કહ્યાગરી, દરેક વાતમાં હા પુરાવનારી, ગાયની જેમ દોરે ત્યાં જાય, પોતાનો જુદો ચીલો ન ચાતરનારી દિકરી જ યોગ્ય છે? આજના ટેકનીકલ, પરિવર્તનશીલ સમાજમાં આ વાહિયાત જ ભાસે છે. 2026 તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે આપણે, સમાજે મન મોટું, સહિષ્ણું અને સમજવાળું રાખવું જોઇએ. અને એ જ કોઇપણ સમાજની તંદુરસ્તીની નિશાની છે.
સુરત     – કલ્પના બામણીયા        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top