Shinor

નર્મદા કિનારે બેફામ રેતી ખનનથી શિનોરના પૌરાણિક મંદિરો પર ખતરો

સીસોદરા ગામના ભાઠામાં એક કિલોમીટર સુધી રેતી ખનન, સ્થાનિકોમાં રોષ


શિનોર |
વડોદરા જિલ્લાના છેક છેવાડે નર્મદા નદીના પવિત્ર કિનારે આવેલા શિનોર તાલુકામાં સામેના કિનારે આવેલા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સીસોદરા ગામના ભાઠામાં બેફામ રેતી ખનન થતું હોવાના કારણે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આશરે એક કિલોમીટર લાંબા નદી પટમાં રેતી લીઝધારકો દ્વારા હાઈવા વાહનો મારફતે આડેધડ રેતી કાઢવામાં આવી રહી છે, જેને કારણે શિનોર તાલુકાના નર્મદા કિનારે આવેલા અતિ પૌરાણિક મંદિરો માટે ખતરાની ઘંટી વાગી છે.

શિનોર તાલુકામાં નર્મદા કિનારે ભંડારેશ્વર મહાદેવ, રોહિણીશ્વર મહાદેવ, કૃષ્ણેશ્વર મહાદેવ તેમજ સૌભાગ્ય સુંદરી માતાનું મંદિર જેવા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો આવેલાં છે. આ તમામ સ્થળો નદીના ભેખડ પર સ્થિત હોવાથી સામેના કિનારે થતું રેતી ખનન નદીની કુદરતી ભૂસંરચનામાં ફેરફાર લાવી શકે છે. રેતી કાઢવાથી નદીના પટમાં ઊંડા ખાડા પડી રહ્યા છે, જેના કારણે નર્મદાના કુદરતી પ્રવાહમાં અવરોધ સર્જાવાની અને ચોમાસામાં ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે સીસોદરા વિસ્તારમાં રેતી લીઝ ફાળવણી સમયે યોજાયેલી પર્યાવરણીય સુનાવણીમાં શિનોર તાલુકાના નર્મદા કિનારે આવેલા ગામોના રહેવાસીઓ તથા ધાર્મિક સ્થળોના હિતધારકોને સામેલ કરવામાં આવ્યા ન હતા. પરિણામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. પર્યાવરણપ્રેમીઓ અને નાગરિકોએ નર્મદા નદી, તેની કુદરતી રચના અને ઐતિહાસિક-ધાર્મિક વારસાને બચાવવા તાત્કાલિક રેતી ખનન પર રોક લગાવવા તંત્ર પાસે કડક પગલાંની માંગ ઉઠાવી છે.

રિપોર્ટર: અમિત સોની

Most Popular

To Top