વડોદરા કોર્પોરેશન દ્વારા માંજલપુર ટાંકી અને સંપની સફાઈ હાથ ધરાશે; રહીશોને પાણીનો સંગ્રહ કરવા સૂચના
વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકોને શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી સમયાંતરે પાણીની ટાંકીઓની સફાઈ કરવામાં આવે છે. આ અંતર્ગત આગામી 26 ડિસેમ્બર, શુક્રવારના રોજ માંજલપુર ટાંકી ખાતે સંપ તથા ટાંકીની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ જાળવણી કાર્યને કારણે માંજલપુર વિસ્તારના અનેક વિસ્તારોમાં પાણીના વિતરણ પર અસર પડશે.
કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, સફાઈની પ્રક્રિયા શુક્રવારે સવારના પાણી વિતરણ બાદ તુરંત શરૂ કરવામાં આવશે. જેના કારણે નીચે મુજબનો ફેરફાર રહેશે, 26 ડિસેમ્બર (શુક્રવાર): માંજલપુર ટાંકીના કમાન્ડ વિસ્તારમાં સાંજના સમયનું પાણી વિતરણ બંધ રહેશે. 27 ડિસેમ્બર (શનિવાર): સફાઈ બાદ લાઈનો રિચાર્જ કરવાની પ્રક્રિયાને કારણે સવારનું પાણી વિતરણ વિલંબથી અને હળવા દબાણ સાથે કરવામાં આવશે.
આ કામગીરીને પગલે માંજલપુર, તુલસીધામ, દરબાર ચોકડી અને આસપાસના રહીશોને હાલાકી ન પડે તે માટે અગાઉથી જરૂરી પાણીનો સંગ્રહ કરી લેવા કોર્પોરેશન દ્વારા વિનંતી કરવામાં આવી છે.
તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “શહેરની જનતાના સ્વાસ્થ્ય માટે ટાંકીની સફાઈ અનિવાર્ય છે. સફાઈ અને જાળવણીની આ કામગીરી સમયસર અને સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે સ્થાનિક નાગરિકો પાલિકાને સહકાર આપે તે જરૂરી છે.”