મધ્ય ગુજરાત સહિત રાજ્યની રાજનીતિમાં ગરમાવો
વડોદરા | તા. ૨૫
શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પોતાના પદ પરથી અચાનક રાજીનામું આપતાં મધ્ય ગુજરાત સહિત રાજ્યની રાજનીતિમાં ભારે ચર્ચા જાગી છે. અન્ય હોદ્દાઓની વધતી જવાબદારીઓને કારણે ઉપાધ્યક્ષ પદ માટે પૂરતો સમય આપી શકતા ન હોવાનું કારણ દર્શાવી તેમણે રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ જેઠાભાઈ ભરવાડે જણાવ્યું છે કે રાજકીય તેમજ સામાજિક જવાબદારીઓના ભારને કારણે ઉપાધ્યક્ષ તરીકેની ફરજ યોગ્ય રીતે નિભાવવી મુશ્કેલ બની હતી. આથી તેમણે સ્વેચ્છાએ આ મહત્વના પદ પરથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમના આ નિર્ણયથી મધ્ય ગુજરાત સહિત રાજ્યભરના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે.
વિધાનસભા અધ્યક્ષ શંકરચૌધરીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા સંગઠનના અન્ય આગેવાનોની હાજરીમાં જેઠાભાઈ ભરવાડે રાજીનામું સુપરત કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઉપાધ્યક્ષના રાજીનામા બાદ હવે આ મહત્વના પદ માટે આગામી સમયમાં નવી નિમણૂક કોને મળશે તે મુદ્દે રાજકીય અટકળો તેજ બની છે. જેઠાભાઈ ભરવાડના અચાનક રાજીનામાએ રાજ્યની રાજનીતિમાં નવો ગરમાવો લાવી દીધો છે.