World

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: 7 દિવસમાં બીજી ઘટના

બાંગ્લાદેશમાં ફરી એકવાર ટોળાએ એક હિન્દુ યુવાનને માર મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના બુધવારે રાત્રે 11:00 વાગ્યાની આસપાસ રાજબારી જિલ્લાના હોસેનડાંગા ગામમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખ 29 વર્ષીય અમૃત મંડલ ઉર્ફે સમ્રાટ તરીકે થઈ છે.

અગાઉ 18 ડિસેમ્બરના રોજ ઢાકા નજીક એક ટોળાએ દીપુ ચંદ્ર દાસ નામના હિન્દુ યુવાનની હત્યા કરી હતી અને બાદમાં તેને લટકાવીને સળગાવી દેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે અમૃત મંડલની ટોળાએ ખંડણીના આરોપસર હત્યા કરી હતી. મૃતક હોસેનડાંગા ગામનો રહેવાસી હતો. પોલીસે અમૃતના સાથી મોહમ્મદ સલીમની ધરપકડ કરી છે અને તેની પાસેથી બે હથિયારો જપ્ત કર્યા છે. પોલીસ એસએસપીએ જણાવ્યું હતું કે પંગશા પોલીસ સ્ટેશનમાં સમ્રાટ વિરુદ્ધ ઓછામાં ઓછા બે કેસ નોંધાયા છે જેમાં હત્યાનો કેસ પણ સામેલ છે.

ડેઇલી સ્ટારમાં પ્રકાશિત અહેવાલ મુજબ સ્થાનિક લોકોએ સમ્રાટ પર ગુનાહિત ગેંગ બનાવવાનો આરોપ લગાવ્યો છે. અહેવાલો અનુસાર તે લાંબા સમયથી ખંડણી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હતો. ભારતમાં લાંબા સમય સુધી છુપાયા પછી તે તાજેતરમાં ઘરે પાછો ફર્યો હતો. સમ્રાટે ગામના રહેવાસી શાહિદુલ ઇસ્લામ પાસેથી ખંડણીની માંગણી કરી હોવાનો આરોપ છે.

ગઈકાલે રાત્રે સમ્રાટ અને તેના સાથીઓ પૈસા લેવા માટે શાહિદુલના ઘરે ગયા હતા. જ્યારે પરિવારના સભ્યોએ “ચોર, ચોર!” ના બૂમો પાડતા અવાજ ઉઠાવ્યો ત્યારે સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા અને સમ્રાટને માર માર્યો. તેના અન્ય સાથીઓ ભાગી જવામાં સફળ રહ્યા જ્યારે સલીમ હથિયારો સાથે પકડાઈ ગયો.

18 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે બાંગ્લાદેશમાં હિંસક પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં માર્યા ગયેલા હિન્દુ યુવાનના કિસ્સામાં એક મોટો ખુલાસો થયો છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે મૃતક દીપુ ચંદ્ર દાસે ફેસબુક પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી ટિપ્પણીઓ પોસ્ટ કરી હતી. જો કે તપાસમાં હવે આવી ટિપ્પણીઓના કોઈ પુરાવા મળ્યા નથી.

બાંગ્લાદેશની રેપિડ એક્શન બટાલિયનના કંપની કમાન્ડર મોહમ્મદ શમસુઝમાનએ બાંગ્લાદેશી અખબાર “ધ ડેઇલી સ્ટાર” ને જણાવ્યું હતું કે દાસે ફેસબુક પર એવી કોઈ પણ પોસ્ટ કરી હોય જે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી શકે તેવા કોઈ પુરાવા મળ્યા નથી. દીપુની હત્યાના સંદર્ભમાં અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Most Popular

To Top