શિક્ષણ પદ્ધતિઓને આધુનિક બનાવવા અદ્યતન સુવિધાઓનો ઉમેરો
(પ્રતિનિધિ) વડોદરા, તા. ૨૫
મહારાજા સયાજીરાવ યુનિ. ઓફ બરોડાની ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ફેકલ્ટીના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પીજી અને યુજી વૈકલ્પિક વર્ગખંડ માટે સ્વર્ગસ્થ જીતેન્દ્ર રમણલાલ શાહ સ્મૃતિ સુવિધાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં કુલપતિ, ભૂતપૂર્વ વિદ્યાર્થીના પરિવારજનો, ફેકલ્ટીના ડીન તથા પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.
એમએસયુના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને દાતા સંબંધોના કાર્યાલયના સહયોગથી ૧૯૬૬ બેચના મિકેનિકલ એન્જિનિયરિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્વર્ગસ્થ જીતેન્દ્ર આર. શાહની પુત્રીઓ મીનલ ગાંધી અને પ્રીતિ ખન્ના દ્વારા નોંધપાત્ર દાન આપવામાં આવ્યું હતું. કુલપતિ પ્રો. ડો. ભાલચંદ્ર ભાણગેએ સંક્ષિપ્ત સંબોધન કર્યું હતું. વિભાગના વડા ડો. પિયુષ ગોહિલે આભારવિધિ કર્યા બાદ રિબન કાપી સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ સુવિધા માટે રૂ. ૧૭ લાખનું દાન આપવામાં આવ્યું છે. તેમાં આધુનિક અધ્યયન માટે ઇન્ટરએક્ટિવ પેનલ, ધ્વનિ વ્યવસ્થા, દૃશ્ય સંચાર સાધનો તેમજ માળખાગત સુધારાઓનો સમાવેશ થાય છે. આ અપગ્રેડથી વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને ગુણવત્તાસભર શિક્ષણ માટે નવી તક મળશે.