સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ દાણચોરો માટે સ્વર્ગ સમાન બની ગયું લાગે છે. અહીં સોના ઉપરાંત નશીલા પદાર્થોની પણ મોટા પાયે દાણચોરીના બનાવ બની રહ્યાં છે. બે દિવસ પહેલાં અહીં મોટી માત્રામાં હાઈબ્રિડ ગાંજો પકડાયો હતો. હવે ફરી એકવાર કસ્ટમ વિભાગે કરોડોની કિંમતના હાઈડ્રોપોનિક ગાંજા સાથે એક મહિલાની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કસ્ટમ વિભાગ અને એર ઈન્ટેલિજન્સ યુનિટ વોચમાં હતું ત્યારે બેંગ્કોકથી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ IX-263માંથી ઉતરેલી એક મહિલાની વર્તણૂંક શંકાસ્પદ જણાઈ હતી. તેને રોકી ચેકિંગ કરાતા તેના સામાન્યમાંથી 7 વેક્યુમ પેક્ડ ટ્રાન્સપરન્ટ પોલિથિન પેકેટ મળી આવ્યા હતા, જેમાં લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ હતો. આ પદાર્થનું ફોરેન્સિક પરીક્ષણ કરતાં તે હાઈડ્રોપોનિક ગાંજો હોવાની પૃષ્ટિ થઈ હતી.
આ ગાંજાનું કુલ વજન 3.11 કિલો હતું. તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. કસ્ટમ વિભાગે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી મહિલા મુસાફરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.