સુરતના રાંદેર ઝોન વિસ્તારમાં આજે 25 ડિસેમ્બરની વહેલી સવારે એક હચમચાવી દેતી ઘટના સામે આવી હતી. જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલી ટાઈમ ગેલેક્સી બિલ્ડિંગમાંથી નીચે પડેલા એક આધેડ વ્યક્તિ મોત અને જિંદગી વચ્ચે લગભગ એક કલાક સુધી લટક્યા રહ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમે સમયસૂચકતા દાખવીને દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કરીને તેમની જિંદગી બચાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાંદેર ઝોનના જહાંગીરાબાદ ડી-માર્ટ નજીક આવેલા ‘ટાઈમ ગેલેક્સી’ બિલ્ડિંગના A બ્લોકમાં રહેતા નિતિનભાઈ અડીયા તેમના ઘરના 10મા માળે બારી પાસે સૂતા હતા. આ દરમિયાન અચાનક સંતુલન બગડતા તેઓ બારીમાંથી નીચે પડી ગયા હતા. જોકે સદનસીબે તેઓ સીધા જમીન પર પડવાને બદલે 8મા માળે આવેલી બારી બહારની ગ્રીલ વચ્ચે અટકી ગયા હતા. તેમનો એક પગ ગ્રીલમાં ફસાઈ જતાં તેઓ હવામાં લટકતા રહ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દ્વારા ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જહાંગીરપુરા, પાલનપુર અને અડાજણ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડે ડબલ સેફ્ટી પ્લાન સાથે રેસ્ક્યૂ શરૂ કર્યું હતું. નીચે જમીન પર સેફ્ટી નેટ પાથરી દેવામાં આવી હતી. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
એક તરફ ફાયર જવાનો 10મા માળેથી દોરડાં અને સેફ્ટી બેલ્ટ વડે નિતિનભાઈને સુરક્ષિત રીતે બાંધી રહ્યા હતા. જ્યારે બીજી તરફ 8મા માળે ફસાયેલો પગ છોડાવવા માટે હાઈડ્રોલિક કટરથી ગ્રીલ કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આશરે એક કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડે નિતિનભાઈને સુરક્ષિત રીતે અંદર ખેંચી કાઢ્યા હતા. બાદમાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની ગુરુકૃપા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.