બોલિવૂડમાં નસીબ, તકદીર, કિસ્મત, લક, ભાગ્ય, મુકદ્દર આ બધા ખાલી ફિલ્મનાં નામ નથી. આ એ વસ્તુ છે જેની પર પ્રોડ્યુસરથી લઇ કલાકાર સુધીનાં બધા જ લોકો ભરોસો કરે છે. એટલો ભરોસો કે જેની પાછળ દિલોજાનથી મહેનત કરી હોય તે ફિલ્મ બન્યા પછી તેને આ શબ્દોને હવાલે છોડી દે છે. ‘‘મુંબઈ બે વસ્તુનાં ભરોસે છે એક લોકલ અને બીજુ લક…’’ આ ડાયલોગ બોલિવૂડ માટે જ લખાયો હોય તેમ લાગશે જ્યારે તમે જાણશો કે એક ફિલ્મને હિટ કરાવવા કઈ રીતે ઇન્ડસ્ટ્રીનાં હીરો, સુપરહીરો શ્રદ્ધા કે અંધશ્રદ્ધાને આધારે કામ કરે છે.

આનું તાજું ઉદારણ બન્યું 2025 ડિસેમ્બરની છેલ્લી બનનારી ફિલ્મ ઈક્કીસ, જે હવે 2026ની પહેલી ફિલ્મ બનશે. અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદા આ ફિલ્મમાં લીડ રોલ કરી રહ્યો હતો એ ફિલ્મ પોસ્ટપોન થઈ તે વિષે બચ્ચન સા’બે એક ટ્વિટ કર્યું – IKKIS पहले पच्चीस (25) को थी, अब होगी छब्बीस (‘26) , पहली (1) को ; कुछ ज्योतिष विद्या वाले कहे, भाई ,शगुन है अच्छा, (“ઇક્કીસ’ પહેલા 2025 માં રીલીઝ થવાની હતી, હવે તે 2026 માં રીલીઝ થશે. કેટલાક જ્યોતિષીઓએ કહ્યું, ભાઈ, આ તો શુભ શુકન છે…!’)
એમ તો ઈક્કિસના પોસ્ટપોન થવાનું દેખીતું કારણ બધા જાણે જ છે ઇક્કીસની રિલીઝ ધુરંધર અને અવતાર: ફાયર એન્ડ એશિઝની રિલીઝ થવાને કારણે મુલતવી રાખવામાં આવી હશે પણ આના કારણે ટૉક ઓફ ધી ટાઉન થઇ રહી છે ફિલ્મના સિતારા અને તેમના ભાગ્યનાં ગ્રહોની ચાલ ક્યારેક સ્ક્રિપ્ટ કરતાં કુંડળી પર વધુ ભારે પડે છે. ક્યારેક ફિલ્મનું ભવિષ્ય ટ્રેલરથી નહીં પણ પંડિતજીના પંચાંગથી નક્કી થાય છે. આપણે સાંભળ્યું હશે કે ફિલ્મ “ટેક્નિકલ કારણોસર”કે “માર્કેટ સ્ટ્રેટેજી”કે પછી અચાનક તબિયત ખરાબ થવાને કારણે પોસ્ટપોન થઈ પણ ઇન્ડસ્ટ્રીને નજીકથી જાણનારા સૌને ખબર છે એ ફિલ્મના સિતારાનાં ગ્રહોની દશા સારી નથી..
એમ તો ગ્રહોની ચાલ પર સ્ટાર કરતા સુપરસ્ટાર્સની નજર વધારે હોય છે. આપણા ત્રણેય ખાન આ બાબતે ખાસ ધ્યાન રાખે છે. કિંગ ખાન શાહરુખની એક્ટિંગમાં ભલે દમ છે પણ ગ્રહોની ચાલ જોઈ જ પોતે બાજી રમે છે. જબ તક હૈ જાનની રિલીઝ ડેટ પણ એટલી જ ગણતરીપૂર્વક પસંદ કરાઈ હતી. 13-11-2012 જે દિવાળીની રજા ઉપરાંત ન્યૂમરોલોજીકલી ખૂબ “પરફેક્ટ”તારીખ બને છે. સન ઓફ સરદાર સાથે ક્લેશ હોવા છતાં તેની તારીખ બદલવામાં આવી નહીં. પછી ભલે તેની બેસ્ટ ફ્રેન્ડ કાજોલ સાથે સંબંધ બગાડતા.. અને આમ કરવામાં શાહરૂખને બોક્સ ઓફિસ કરતાં ભાગ્ય પર વધુ વિશ્વાસ હતો. શાહરુખ પહેલાથી 555 ને ખૂબ લકી માને છે. તેની બધી જ કરોડોની કારની નંબર પ્લેટ 555 જ છે. તો દિવાળીને શાહરુખ લકી તહેવાર માને છે. અંધશ્રદ્ધાળુ ન લાગતો આમિર અન્ય સેલિબ્રિટીઓથી થોડો અલગ છે. આમિર માને છે કે ડિસેમ્બર અને ક્રિસમસ તેના માટે લકી છે, 2007 માં તારે ઝમીન પર સાથે આ પરંપરા ચાલુ કરી હતી બાદમાં ગજની, 3 ઇડિયટ્સ અને ધૂમ 3 આવી. પીકે પણ આવી જ રીતે રિલીઝ કરાવડાવી અને આમ ક્રિસ્મસને આમિરે પોતાની માટે બુક કરી. ઈદ ભાઈજાન સલમાનની મનગમતી છે. એટલે જ અનેક વખત ફિલ્મોની પ્લાન કરેલી તારીખો છોડીને ઇદ આસપાસ રિલીઝ ફિક્સ કરવામાં આવી છે. જેમ કે સુલતાન, બજરંગી ભાઈજાન, દબંગ, કિસીકા ભાઈ કિસી કી જાન અને છેલ્લે આવેલી સિકંદર પણ. જોકે સલમાનનું નસીબ હવે ઈદમાં પણ સાથ નથી આપી રહ્યું.
ખાલી કલાકાર જ આવું કરે તેમ નથી ડિરેક્ટર્સ પણ આવી બાબતોમાં માને છે. સંજય લીલા ભણસાલીનું નામ આમાં મોખરે છે. પદ્માવત બાબતે ભલે એવું લાગતું હોય કે તે વિવાદને કારણે પોસ્ટપોન કરાઈ હતી પણ અસલમાં તે ગ્રહોની રાહ જોતાં-હતા. ‘રામ-લીલા’ની રિલીઝ તારીખ પણ મુહૂર્ત જોઈને ફાઇનલ કરવામાં આવી હતી. ભણસાલી માને છે કે ફિલ્મની “સફળતા”તેના રિલીઝ સાથે જ નક્કી થઈ જાય છે અને એ સફળતા ગ્રહોથી જોડાયેલી છે. આવી જ રીતે બ્રહ્માસ્ત્ર માટે પણ કિસ્સો છે. જે વારંવાર બદલાતી રિલીઝ તારીખો માટે ચર્ચામાં રહી હતી. 2019થી 2020 બાદમાં 2021 આખરે 2022 માં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ લેટ થવાનું ઓફિશ્યલ કારણ VFX કે કોરોના મહામારી જણાવાતું હોય પરંતુ ઇન્ડસ્ટ્રી ગોસિપ અનુસાર, “શનિ દશા”અને “રાહુ કાળ”જેવા કારણોસર કેટલીક તારીખો બદલવામાં આવી હતી.
આ બધામાં અનુરાગ બાસુની ફિલ્મને તારીખ સાથે લેવા દેવા નથી પણ સફળ કરવડાવવા એક ટોટકો કર્યો . ફિલ્મનું નામ Barfi થી “Barfi!” થયું એક ઉદ્ગાર ચિન્હ ઉમેરાયુ. એક ન્યુમરોલોજિસ્ટના કહેવા પ્રમાણે આ ફેરફાર કર્યો અને સાચે જ ચમત્કાર થયો. આવા નામને બદલવાના શોખીન તો મોટાભાગના સ્ટાર્સ છે… કેટલાયે લોકોએ પોતાના નામ, સ્પેલિંગ, અક્ષર, સિગ્નેચરને સફળતા મેળવવા ચેન્જ કર્યા છે. તેના તાજા ઉદાહરણોમાં જેના પિતા એક જાણીતા જ્યોતિષી હતા તે આયુષ્માને વધારાનો N અને R ઉમેર્યા, નુશરતે પણ N ઉમેર્યો, રાજકુમાર યાદવમાંથી ‘રાવ’ બન્યો. એક પછી એક ફ્લોપ ફિલ્મો આપ્યા પછી, વરુણ ધવન હવે પોતાનું નામ VarunDhanwan સ્પેસ રાખ્યા વગર લખે છે. બોલિવૂડના જાણીતા જ્યોતિષીઓ બધા તાલ-મેલના ખેલ પાછળ જાણીતા છે. જેમાં બૈજાન દારૂવાલા સૌથી લોકપ્રિય નામ છે. તે અમિતાભ બચ્ચનથી લઈને અનેક રાજકારણીઓના સલાહકાર છે. તો અજય દેવગણ, એકતા કપૂર, શિલ્પા, કરણ જેવા લોકો સંજય જુમાની પાસે સલાહ લે છે, જનારદન પાંડે તો ફિલ્મી જગતમાં ખાસ કરીને રિલીઝ મહુર્ત માટે સલાહ આપે છે. તમને સવાલ થાય કે આજે OTT, ડેટા એનાલિસી, એડવાન્સ માર્કેટિંગના યુગમાં પણ બોલીવૂડમાં પંડિત અને પંચાંગ એટલું જ મહત્વ કેમ છે? સાદું કારણ એ જ કે એક ફિલ્મ એટલે કરોડોનો દાવ, જુગાર જ છે. આ કરોડોના દાવ વચ્ચે મેકર્સ “સહારા”તરીકે ગ્રહોની ચાલ પાછળ ચાલે છે જેથી ફિલ્મ ફ્લોપ થાય તો સ્ક્રિપ્ટ, સ્ટાર્સ સાથે ગ્રહોને પણ દોષિત કહી શકાય. •