ગાંધીનગર: એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના અધિકારીઓની ટીમ દ્વારા ગઈકાલે સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલના નિવાસસ્થાન તેમજ વઢવાણના રાવળવાસ વિસ્તારમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ તપાસ દરમિયાન મોરીના નિવાસ સ્થાનેથી ઈડીની ટીમને 67.50 લાખ રોકડા મળી આવતાં તે જપ્ત કરી આજે મોરીની ધરપકડ કરી લેવામાં આવી છે. ઈડીની કાર્યવાહીમાં જમીન એનએ કરવામાં મસમોટુ કૌભાંડ બહાર આવ્યું છે. જેના પગલે ઈડીની સાથે હવે એસીબીએ પણ ફરિયાદ દાખલ કરી દીધી છે. દિલ્હીમાં નોંધાયેલી એક ખંડણીની ફરિયાદમાં સુરેન્દ્રનગરના જમીન કૌભાંડનો મામલો બહાર આવ્યો છે. સૌરાષ્ટ્ર ઘરખેડ ટેનન્સી સેટલમેન્ટ & એગ્રીકલ્ચર લેન્ડ ઓર્ડિનન્સ ૧૯૪૯ હેઠળ જમીન NA કરવાનું કૌભાંડ પણ બહાર આવ્યું છે. આયોજનબદ્ધ રીતે લાંચની મોટી રકમ લેવાતી હતી. તેવી ઈડીએ અમદાવાદમાં સ્પે. કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે. સ્પીડ મની તરીકે આ રકમ લેવાતી હતી. જેમાં વચેટિયાઓ આ રકમ લઈને કલેક્ટર ઓફિસમાં મોટો વ્યવહાર કરી દેતા હતા. જમીન એનએ કરવાની સત્તાનું કાર્યક્ષેત્ર ચન્દ્રસિહ મોરી પાસે હતું. તે ઉપર સુધી મોટી રકમ પહોંચાડી આ કૌભાંડ ચલાવતો હતો. જો કે, દિલ્હીમાં થયેલી ખંડણીની ફરિયાદના તાર સુરેન્દ્રનગર સુધી પહોંચી જતાં ઈડીની ટીમ વચ્ચે આવી છે.
સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં જમીન બિનખેતી (CLU) અને અન્ય વૈધાનિક મંજૂરીઓના નામે ચાલતા મોટા પાયાના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીની મની લોન્ડરિંગના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આરોપીના નિવાસ સ્થાનેથી રૂ.67.50 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. ત્યારે આરોપી મોરીને સ્પે. પીએલએમએ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીને 1 જાન્યુઆરી સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યાં છે. બીજી તરફ મોરીને દિલ્હી લઇ જઇ પૂછપરછ કરવામાં આવશે તેમ ઇડીએ રિમાન્ડ રિપોર્ટમાં જણાવ્યું હતું.
ED દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે ચન્દ્રસિંહ મોરી વઢવાણની ‘ખારવાણી પોળ’ વિસ્તારમાં રહે છે. તપાસ એજન્સીએ જ્યારે તેમના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે બેડરૂમમાં છુપાવી રાખેલી ₹67.50 લાખની બિનહિસાબી રોકડ મળી આવી હતી. આરોપી મોરીએ ઈડી સમક્ષ સ્વીકાર્યું છે કે, આ રકમ જમીન સંબંધિત ફાઈલોના ઝડપી નિકાલ માટે વચેટિયાઓ મારફતે મેળવેલી લાંચની રકમ છે. જમીનની અરજીઓના પ્રકારને આધારે પ્રતિ ચોરસ મીટર દીઠ લાંચની રકમ અગાઉથી નક્કી કરવામાં આવતી હતી. ચન્દ્રસિંહ મોરી તમામ વચેટિયાઓના નામ અને તેમની ભૂમિકાનો હિસાબ રાખતા હોવાનું પણ સામે આવ્યું છે.
ત્યારે બુધવારે ED દ્વારા સ્પેશિયલ PMLA કોર્ટમાં આરોપી મોરીને રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં રિમાન્ડ અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી મોરીએ અત્યાર સુધીમાં ₹1 કરોડથી વધુની ગુનાહિત કમાણી કરી હોવાનો અંદાજ છે. આ કૌભાંડમાં અન્ય કયાં મોટાં માથાં સામેલ છે અને આ રકમ ક્યાં રોકવામાં આવી છે, આરોપીના બેંક એકાઉન્ટની તપાસ કરવાની છે, આરોપી પાસેથી મળેલા દસ્તાવેજ અંગે પૂછપરછ કરવાની છે, જો આરોપીને કસ્ટડીમાં લેવામાં નહીં આવે તો તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે અથવા સાક્ષીઓને ધમકાવી શકે છે. તેની તપાસ માટે EDએ આરોપીના 14 દિવસનાં રિમાન્ડની જરૂર છે.
આરોપી તરફે દલીલ
આરોપી તરફે એડ્વોકેટ નીતિન ગાંધીએ એવી દલીલ કરી હતી કે, તપાસ એજન્સી જે મુદ્દે રિમાન્ડ માંગી રહી છે તેમાં આરોપીની હાજરીની કોઇ જ જરૂર નથી, તપાસમાં સહકાર આપ્યો છે, જે જાણતા હતા તે તમામ હકીકત જણાવી દીધી છે. તેથી રિમાન્ડ ન આપવા જોઇએ. બંને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીનાં 1 જાન્યુઆરી સુધીનાં રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યાં છે.
આ વિસ્તારમાં જમીન કૌભાંડનો મુદ્દો ચર્ચામાં
સુરેન્દ્રનગર જિલ્લામાં નળ સરોવર, ધ્રાંગધ્રાના માલવાણ, લખતરના તલસાણા અને પાટડીમાં સોલાર પ્લાન્ટમાં મોટા પાયે થયેલા જમીન કૌભાંડનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. આ કેસમાં સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂરસિંહ ગોહિલ અને કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા પણ તપાસના રડારમાં આવી જતાં ગુનો દાખલ કરાયો છે. હવે સમગ્ર કેસમાં એસીબીએ પણ ફરિયાદ દાખલ કરી દીધી છે, જેમાં કલેક્ટરને પણ આરોપી દર્શાવાયા છે.