Charchapatra

 ‘સાલમપાક’ તો સુરતમાં જ ખાવા મળે !

શિયાળો માગશરમાં શરૂ થાય એટલે સુરતીઓનાં ઘરે ઘરે સાલમપાક બનાવવાનું ચાલુ થઈ જાય. આમ તો શિયાળામાં વસાણાં ખાવાથી આખું વરસ શરીરમાં પોષણ મળી રહે છે અને રોગપ્રતિકારક શક્તિ જળવાય રહે છે. શિયાળામાં અડદિયા પાક, મેંથી પાક અને સાલમપાક જેવા વસાણાં દરેક સુરતીઓ ખાય છે.’સાલમપાક’ સુરતીઓ માટે વસાણાનો શહેનશાહ છે. ઝાંપાબજારમાં આવેલી એક મિઠાઈની દુકાનમાં બોર્ડ મારવામાં આવતું હતું. ‘દુધનું ઔસડ’ યાને સાલમપાક. સાલમપાક બનાવવામાં માટે પહેલા દુધને બાળવામાં આવે અને તે દુધનાં માવામાં ઘી નાંખી ચૂલે મુકવામાં આવે જેમાં વિવિધ જાતના તેજાના જેવા કે સફેદમરી, સૂંઠ, સફેદ મુસળી, સાલમ, માપસર નાંખવામાં આવે છે અને સાથે ખારેક અથવા ખજૂર, શીંગોડાનો લોટ, મગજતરી, કાજુ, બદામ, અંજીર જેવા સુકામેવા નાંખવામાં આવે છે.

તે મિશ્રણને જામ ખંભાળિયા ઘીમાં સોતળવામાં આવે છે. છેલ્લે એલચી, જાયફળ, જાવંત્રી નાંખવામાં આવે છે. આ રીતે સાલમપાક બની ગયા પછી તાવડીમાં પાથરી બીજા દિવસે ઉપર ઘી અને પિસ્તાથી ગાર્નિશ કરવામાં આવે છે. સાલમપાક માત્ર સુરતમાં બનાવવામાં આવે છે કે સુરતની મિઠાઈની દુકાનમાં જ મળે છે. સુરતીઓ ઉત્તરાયણ સુધી સાલમપાક આરોગી આખું વરસ તંદુરસ્ત રહે છે.
સલાબતપુરા, સુરત- કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top