સુસેન-માણેજા રોડ પરના મોટા દબાણો પાલિકાને કેમ નથી દેખાતા? લારીધારકોએ અધિકારીઓને પૂછ્યા આકરા સવાલો
ભાડું પણ વસૂલવાનું અને લારીઓ પણ ઉઠાવવાની? પાલિકાની બેધારી નીતિ સામે જનતામાં ભભૂકતો રોષ



વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આજે શહેરના માણેજા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ કામગીરી દરમિયાન લારીધારકોએ એકત્ર થઈને પાલિકાના અધિકારીઓ સામે ભારે વિરોધ પ્રદર્શન કરતા દબાણ શાખાની ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. લારીધારકોએ આક્ષેપ કર્યો હતો કે તેઓ કોઈ પણ પ્રકારનું નડતર ન હોવા છતાં ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
વિરોધ કરી રહેલા લારીધારકોનું કહેવું છે કે તેમની લારીઓ રોડ-રસ્તા પર નથી, પરંતુ એક કંપનીની ખાનગી જગ્યામાં ઉભી રાખીને તેઓ રોજગાર મેળવે છે. લારીધારકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, “અમે દિવસના માંડ 100-200 રૂપિયા કમાઈએ છીએ. પાલિકા અમારી પાસેથી ભાડું પણ વસૂલે છે, તેમ છતાં કોઈ પણ પ્રકારની નોટિસ કે અગાઉની જાણકારી આપ્યા વગર અચાનક અમારી લારીઓ ઉઠાવી લેવામાં આવી છે.”
લારીધારકોએ પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપો કરતા સવાલ કર્યો હતો કે, “સુસેનથી માણેજા સુધીના મુખ્ય માર્ગ પર અનેક હોટલો અને મોટા દબાણો છે, તે કેમ પાલિકાને દેખાતા નથી? માત્ર અમારી ચાર-પાંચ લારીઓ જ કેમ ઉઠાવવામાં આવે છે? શું પાલિકા કોઈના ઈશારા પર કે કોઈ મોટી કંપનીના દબાણમાં આવીને આ કામગીરી કરી રહી છે?”
લારીધારકોએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2008થી તેઓ કલેક્ટર, પાલિકા કમિશનર અને પોલીસ કમિશનરને રજૂઆતો કરી રહ્યા છે કે કંપનીઓએ કરેલા પાકા દબાણો દૂર કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા મોટી માછલીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન એક મહિલા લારીધારકનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે ગલ્લામાં રોકડ રકમ હોવા છતાં પાલિકાના કર્મચારીઓએ સામાન ખાલી કરવાની તક આપી નહોતી. રોષે ભરાયેલી મહિલા દબાણ શાખાના ટ્રક આડે ઉભી રહી ગઈ હતી અને “મને મારી નાખો, મારી પર ગાડી ચલાવી દો પણ હું લારી નહીં લઈ જવા દઉં” તેમ કહીને અધિકારીઓ સાથે ઉગ્ર બહેસ કરી હતી.
સ્થિતિ બેકાબૂ બનતા અને લોકોનું ટોળું એકઠું થતાં પાલિકાના અધિકારીઓએ તાત્કાલિક પોલીસની મદદ લેવી પડી હતી. પોલીસ કાફલા વગર પહોંચેલી દબાણ શાખાની ટીમને લારીધારકોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
બીજી તરફ, વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાના અધિકારીઓએ લારીધારકોના આક્ષેપોને નકારી કાઢ્યા છે. અધિકારીના જણાવ્યા અનુસાર, “આ લોકોને બે દિવસ અગાઉ જ જગ્યા ખાલી કરવા માટે મૌખિક જાણ કરવામાં આવી હતી. સૂચના આપ્યા હોવા છતાં દબાણ ન હટાવતા આજે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.”
– કામગીરી અંગેનો આક્રોશ:
”અમે વર્ષ 2008થી કલેક્ટર અને કમિશનર કચેરીના ધક્કા ખાઈએ છીએ કે રસ્તામાં નડતરરૂપ મોટી કંપનીઓના દબાણો દૂર કરો, પણ તંત્રને એ બધું દેખાતું નથી. શું પાલિકાવાળા મોટા લોકો પાસેથી રૂપિયા ખાઈને બેઠા છે? અમારી લારીઓ તો રોડ પર પણ નથી, અંદર પ્રાઇવેટ જગ્યામાં છે અને પાલિકા અમારી પાસેથી ભાડું પણ ઉઘરાવે છે. જો હટાવવા જ હોય તો સુસેનથી માણેજા સુધીની તમામ હોટલો અને મોટા દબાણો તોડો, પછી જ અમારી લારીને હાથ અડાડજો. ગરીબોના પેટ પર લાત મારવાનું બંધ કરો.” રમેશભાઈ (લારીધારક)

અચાનક થયેલી કાર્યવાહી અંગેનો રોષ:
”કોઈ પણ પ્રકારની નોટિસ વગર અચાનક આવીને આ લોકોએ અમારી લારીઓ ઉઠાવવા માંડી. મારા ગલ્લામાં પૈસા પડ્યા હતા અને સામાન ભર્યો હતો, તે ખાલી કરવાનો પણ મોકો ન આપ્યો. અમે માંડ 100-200 રૂપિયા કમાઈને ઘર ચલાવીએ છીએ, એમાં પણ પાલિકાને પેટમાં દુખે છે. આ ગાડી અહીંથી ત્યારે જ જશે જ્યારે મારી લારી નીચે ઉતારશે. ભલે મારી પર ગાડી ચલાવી દેવી હોય તો ચલાવી દો, પણ હું હટવાની નથી. અન્યાયની પણ સીમા હોય છે.” સવિતાબેન (મહિલા લારીધારક)