National

દિલ્હી મેટ્રોનું વધુ વિસ્તરણ: 13 નવા સ્ટેશન બનશે, કેબિનેટે 12,015 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી

દિલ્હી મેટ્રોને લઈને એક મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના મંત્રીમંડળે દિલ્હી મેટ્રોના ફેઝ-5A અંતર્ગત વિસ્તરણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ માટે કુલ રૂ 12,015 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ વિસ્તરણ પછી દિલ્હીમાં મેટ્રો નેટવર્ક વધુ વિસ્તૃત બનશે અને લાખો મુસાફરોને તેનો સીધો લાભ મળશે.

આ પ્રોજેક્ટ હેઠળ દિલ્હી મેટ્રો લાઇનને કુલ 16 કિલોમીટર સુધી વિસ્તૃત કરવામાં આવશે. આ નવા રૂટ પર કુલ 13 નવા મેટ્રો સ્ટેશનો બનાવાશે. જેમાંથી 10 સ્ટેશન અંડરગ્રાઉંડ હશે અને 3 સ્ટેશન એલિવેટેડ બનાવવામાં આવશે.

દિલ્હી મેટ્રોના વિસ્તરણ માટે ત્રણ મુખ્ય રૂટ પસંદ કરવામાં આવ્યા છે. પ્રથમ રૂટ તુગલકાબાદથી કાલિંદી કુંજ સુધીનો રહેશે. બીજો રૂટ રામકૃષ્ણ આશ્રમથી ઇન્દ્રપ્રસ્થ સુધી લંબાવવામાં આવશે. જ્યારે ત્રીજો રૂટ એરોસિટીથી ટર્મિનલ-1 સુધી બનાવવામાં આવશે. આ નવા રૂટ્સથી દિલ્હી અને આસપાસના વિસ્તારો વચ્ચે કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.

કેન્દ્રીય રેલવે અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે 24 ડિસેમ્બર બુધવારે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દિલ્હી મેટ્રોના ફેઝ-5A પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે આશરે ત્રણ વર્ષનો સમય લાગશે. બાંધકામનું મોટાભાગનું કામ ટનલ બોરિંગ મશીનો દ્વારા અંડરગ્રાઉંડમાં કરવામાં આવશે. જેથી શહેરના ટ્રાફિક પર ઓછામાં ઓછો પ્રભાવ પડે.

નવા વિસ્તરણ સાથે દિલ્હી મેટ્રો નેટવર્ક 400 કિલોમીટરથી વધુનો આંકડો પાર કરશે. હાલમાં દિલ્હી મેટ્રોમાં દરરોજ સરેરાશ 65 લાખ મુસાફરો મુસાફરી કરે છે. જ્યારે તહેવારોના દિવસોમા આ આંકડો 80 લાખ સુધી પહોંચે છે.

દિલ્હી મેટ્રો રાજધાનીના લોકો માટે સૌથી વિશ્વસનીય અને લોકપ્રિય પરિવહન માધ્યમ બની ચૂકી છે. આ નવા વિસ્તરણથી મુસાફરોનો સમય બચશે. તેમજ ટ્રાફિકની સમસ્યા પણ મોટા પ્રમાણમાં ઘટશે.

Most Popular

To Top