પશ્ચિમ બંગાળના હાવડા વિસ્તારમાં આજે 24 ડિસેમ્બર બુધવારે બાંગ્લાદેશમાં હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની હત્યાના વિરોધમાં ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાને લઈને ભાજપ સમર્થકો દ્વારા યોજાયેલી રેલી દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પરિસ્થિતિ બગડતાં પોલીસને હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો.
આજે બુધવારે સવારથી જ ભાજપના નેતાઓ અને કાર્યકરો હાવડા બ્રિજ તરફ કૂચ કરી રહ્યા હતા. જોકે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમને બ્રિજ પર પહોંચે તે પહેલાં જ અટકાવી દીધા હતા. આ પગલાંને કારણે વિરોધીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. વિરોધમાં ભાજપ સમર્થકો રસ્તા પર બેસી ગયા અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.
હાવડા પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વિરોધના નામે સામાન્ય જનજીવન ખોરવાય તે પોલીસ કોઈપણ રીતે સહન કરશે નહીં. તેમણે કહ્યું કે મુસાફરોને તકલીફ પહોંચે અથવા કાયદો પોતાના હાથમાં લેવાય તેવા કોઈપણ પ્રયાસ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસનો આરોપ છે કે કેટલાક પ્રદર્શનકારીઓએ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે પરિસ્થિતિ તંગ બની હતી.
પોલીસે ભીડને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. હાવડા બ્રિજ અને આસપાસના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જેથી કોઈ અણચિત ઘટના ન બને.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના મૈમનસિંહ જિલ્લાના બાલુકા વિસ્તારમાં ગઈ 18 ડિસેમ્બરે 25 વર્ષીય દીપુ ચંદ્ર દાસની ટોળા દ્વારા માર મારીને હત્યા કરવામાં આવી હતી. આરોપ છે કે ઇશનિંદાના બહાને તેની પર હુમલો કરવામાં આવ્યો હતો અને બાદમાં તેના શરીરને આગ લગાવવામાં આવી હતી. આ ઘટનાને લઈને ભારતમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
ગઈ કાલે મંગળવારે પણ કોલકાતામાં બાંગ્લાદેશ ડેપ્યુટી હાઈ કમિશન તરફ કૂચ કરવાનો પ્રયાસ કરનાર પ્રદર્શનકારીઓને પોલીસે અધવચ્ચે અટકાવ્યા હતા. જેમાં અથડામણ અને ઇજાઓના બનાવો સામે આવ્યા હતા. પોલીસે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કર્યો છે.