Nadiad

“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”

નડિયાદ મનપાએ 46 દુકાનો સામે આપેલા પતરાના શેડની અસુવિધાઓ મામલે હાઈકોર્ટ લાલઘૂમ, મનપાનો ઉધડો લીધો
(પ્રતિનિધિ) નડિયાદ, તા.24
સરદાર ભુવનની 46 દુકાનો રાતોરાત તોડી પાડવાના મામલે અને તેના બદલે વેપારીઓને અપાયેલા પતરાના શેડમાં ગંભીર અસુવિધાઓ હોવાના મુદ્દે આજે ગુજરાત હાઈ કોર્ટ લાલઘૂમ બની હતી. વેપારીઓ દ્વારા દાખલ કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નડિયાદ મહાનગરપાલિકાનો કડક શબ્દોમાં ઉધડો લીધો હતો અને સ્પષ્ટ કહ્યું હતું કે, “જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો.” મામલે બપોર બાદ ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, નડિયાદ મહાનગરપાલિકાએ સોમવારે મોડી સાંજે ડ્રો પાડી સરદાર ભુવનના વેપારીઓને કશીભાઈ પાર્ક નજીક આવેલા પતરાના શેડમાં દુકાનો ફાળવવાની નોટિસ આપી હતી. ત્યારબાદ રાતોરાત દુકાનો ખાલી કરાવી મંગળવારે સવારે અચાનક જીસીબી અને ભારે મશીનરી સાથે પહોંચી સમગ્ર કોમ્પ્લેક્સ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો હતો. આ કાર્યવાહી અગાઉના હાઈકોર્ટના હુકમનો ભંગ હોવાનું જણાવી વેપારીઓએ મનપા સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ દાખલ કરી હતી.

સુવિધાઓ હતી તો વેપારીઓ કોર્ટમાં કેમ આવ્યા?”
આજની સુનાવણી દરમિયાન મહાનગરપાલિકાએ દલીલ કરી હતી કે તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડ્યા બાદ જ પતરાના શેડનો કબ્જો સોંપવામાં આવ્યો છે. જોકે, હાઈકોર્ટે આ દલીલને નકારી કાઢતા કડક ટિપ્પણી કરી હતી કે જો ખરેખર તમામ વ્યવસ્થાઓ યોગ્ય હોત, તો વેપારીઓને કોર્ટના દ્વાર ખખડાવવાની જરૂર જ ન પડત.


રીપોર્ટ અને એફિડેવિટ રજૂ કરવાનો આદેશ
હાઈકોર્ટે વેપારીઓને પતરાના શેડનો કબ્જો લીધા બાદ તેની વાસ્તવિક સ્થિતિ અંગે બપોર સુધી વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. સાથે જ મહાનગરપાલિકાને પણ આ સમગ્ર મુદ્દે લેખિત એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું છે. વેપારીઓએ દાવો કર્યો છે કે અગાઉ હાઈકોર્ટે ચોક્કસ સાઇઝની દુકાનો અને તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સ્પષ્ટ સૂચના આપી હતી, જેનું પાલન કરવામાં આવ્યું નથી. સુનાવણી દરમિયાન વેપારીઓએ અદ્યતન ફોટોગ્રાફ્સ પણ પુરાવા રૂપે રજૂ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ કન્ટેમ્પ્ટ મામલે ગતરોજ જ કમિશ્નર ગુણવતસિંહ સોલંકી, ડેપ્યુટી કમિશ્નર રૂદ્રેશ હુદળ અને ડેપ્યુટી કમિશ્નર આનંદ ઉકાણી સહિતના અધિકારીઓને નોટિસો પણ બજાવવામાં આવી હતી. હવે બપોર પછીની સુનાવણીમાં હાઈકોર્ટ શું વલણ અપનાવે છે તે તરફ સૌની નજર મંડાઈ છે.

Most Popular

To Top