ચાલો ના તો પ્રેમ જીત્યો, ના તો બુદ્ધિ હારી શકી, આખી જિંદગી છતાં મઝાની હરીફાઈ તો રહી. પ્રેમને દિલ સાથે સંબંધ છે. જ્યારે બુદ્ધિથી લેવાતા નિર્ણયોમાં તર્ક જોવામાં આવે છે. દિલના નિર્ણયો અને બુદ્ધિથી લેવાતા નિર્ણયો જુદા હોય છે પરંતુ આ બંને એક સાથે આખી જિંદગી ચાલતા રહે છે. બુદ્ધિ હંમેશાં તર્ક શોધતી રહે. પરંતુ દિલ હંમેશા લાગણીની તલાશમાં રહે. આમ બુદ્ધિ સામે પ્રેમનો વિજય ભલે નહીં થાય. પરંતુ પ્રેમની હાર પણ થતી નથી. બુદ્ધિ જીતી શકતી નથી. પ્રેમનો વહેવાર હારી શકતો નથી. આમ પરસ્પર બંને વચ્ચે હરીફાઈ ચાલતી રહે છે. આ હરીફાઈની જ મઝા છે. આખી જિંદગી માણસ આ બંને વચ્ચે જીવતો રહે. પ્રેમના નિર્ણયો લાગણીથી થાય ત્યાં તર્ક શોધવા બેસો તો પ્રેમ કરી શકાય નહીં. જ્યારે બુદ્ધિથી લેવાતા નિર્ણયો લાગણીશૂન્ય હોય. અહીં તર્કથી બધા નિર્ણયો લેવામાં આવે છે. બુદ્ધિથી વેપાર થઇ શકે. બુદ્ધિથી દલીલ થઇ શકે. બુદ્ધિથી પ્રેમ ક્યારે પણ થઇ શકે નહીં. જ્યાં તર્ક આવે ત્યાં દિલના ધબકારાની કોઈ કિંમત રહેતી નથી. હૃદયથી લેવાતા નિર્ણયોમાં હાર-જીત કે પછી નફા-નુકસાનને અવકાશ રહેતો નથી. અહીં કોઈ પણ નુકસાન સહન કરવાની તૈયારી સાથે પ્રેમના પથ પર આગળ ધપવાનું હોય છે. કોઈ પણ ખુવારી માટે તૈયારી હોય તો જ પ્રેમ થઇ શકે. બાકી નફા-નુકશાનનો વિચાર કરો તો માત્ર વેપાર થઇ શકે. પ્રેમમાં કોઈ સોદાબાજી હોતી નથી. પ્રેમ એટલે પરસ્પર બે હૃદયનો એક ધબકારો. અહીં કશું વિચારીને કોઈ નિર્ણય લેવાતો જ નથી. અહીં બધું દિલ પર છોડી દેવામાં આવે છે. પ્રેમમાં પડો ત્યારે જ ખબર પડે કે પ્રેમ પથ કેટલો વિકટ હોય છે. જે માણસ પ્રેમને અનુસરે તે બુદ્ધિથી ક્યારે પણ વિચારી ના શકે. આમ બુદ્ધિ અને પ્રેમ બંને વચ્ચે કાયમની હરીફાઈ છે. આ બંને સ્થિતિ વચ્ચે જીવવાની ખરી મઝા આવે. બધા જ નિર્ણયો બુદ્ધિથી વિચારીને લેવા જઇએ તો પ્રેમ જેવા રમ્ય રહસ્યથી વંચિત રહેવાનો વારો આવે. કારણ કે પ્રેમની ગલીમાં તર્ક નામના શખ્સને પ્રવેશ મળતો નથી. આ ગલીમાં તો લાગણી કે ભાવનાઓ સાથે જ તમે પ્રવેશી શકો. આમ પ્રેમ અને બુદ્ધિ વચ્ચેની હરીફાઈમાં આમ તો કોઈ જીતી ના શક્યું, પરંતુ આ બે સ્થિતિનાં તાલમેલમાં આખી જિંદગી મઝાથી પસાર થઇ. જીવનમાં ક્યારે કયો નિર્ણય બુદ્ધિથી અને કયો નિર્ણય દિલથી લેવો એ સમજમાં આવી જાય તો જિંદગી સાર્થક થઇ ગઇ સમજો. જીવનમાં કેટલાક નિર્ણયો દિલ પર છોડી દેવા પડે છે. અહીં બુદ્ધિ નિરર્થક સાબિત થાય છે.•
– હનીફ મહેરી