આપણા શહેરમાં અને આખા ગુજરાતમાં ઘણી વખત ખાદ્ય સામગ્રીમાં માફ ન કરી શકાય તેવી ભેળસેળના અનેક કિસ્સાઓ સાબિત થયા છે અને કાયદાની કચેરીમાં તેનો ન્યાય તોળાય છે, ત્યારે તેના ગુન્હાને કારણે જાહેર જનતાના આરોગ્યને થતા નુકશાનને ઠંડે કલેજે ઉપેક્ષિત કરી ધ્યાનમાં લેવાતું જ નથી અને તેવા ગુન્હેગારોને માત્ર તેણે કમાયેલી ખોટી કમાણીના ગેરકાયદેસરના નફામાં થોડું નુકશાન જ થાય તેમ દંડ અથવા એક કિસ્સામાં થયેલ કોર્ટ ઉઠતા સુધીની સજા એવા હાસ્યાસ્પદ ચુકાદાઓ વાંચવામાં આવે છે.
ખાદ્ય સલામતીના કાયદાના અમલ પર પલાસાણાની લો કોલેજમાં ફરજ બજાવતા એક બહેનશ્રીએ પી.એચ.ડીની પદવી પ્રાપ્ત કરી છે તેવા સમાચાર તા.૯ ૧૨ ૨૦૧૫નાં ગુજરાત મિત્રમાં છપાયા છે. ત્યારે મને એક વિચાર આવ્યો કે આ બહેનેનું અવલોકન અને સમાજ પ્રત્યેની તેમની સંવેદના કેટલી તીવ્ર હશે.? આપણા દેશમાં વાતો ફક્ત કાગળ પર જ સારી લાગે આવા પરીપ્રેક્ષમાં એક કોલેજના યુવાન કર્મચારી બહેન આવો વિષય પસંદ કરી તેના પર યોગ્ય સંશોધન કરે એમના લખાણનો અભ્યાસ કરવા માટે રાજ્ય અને દક્ષિણ ગુજરાતનાં શાસકોને તાલાવેલી થવી જોઈએ. તેઓ ક્યાં ચુકી ગયા છે તે જાણી પ્રજાને શુદ્ધ ખાદ્ય સામગ્રી મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. કદાચ ફક્ત આશા અને અપેક્ષા જ રહી જઈ શકે
નાનપુરા, સુરત- રાજેન્દ્ર કર્ણિક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.