Vadodara

વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!

વડોદરા પાલિકાનું પાપ ધોવાશે કેવી રીતે?

વડોદરા:; એક તરફ વડોદરા મહાનગરપાલિકા વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ અને રિજુવેનેશન પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાના ખર્ચની જાહેરાતો કરે છે, ત્યારે બીજી તરફ પાલિકાના જ છાણી સ્થિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)માંથી ટ્રીટ કર્યા વિના ગંદું પાણી સીધું નદીમાં છોડાતું હોવાનો ગંભીર કૌભાંડ બહાર આવ્યો છે. આ લાપરવાહીને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે અને નદીના પર્યાવરણ પર મોટું જોખમ ઊભું થયું છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ તંત્રને માત્ર નદીમાંથી માટી કાઢવાની કામગીરીમાં રસ છે, સાચી સફાઈમાં નહીં. અગાઉ દાવો કરાયો હતો કે નદીમાં જતી ગટરો બંધ કરી દેવાઈ છે, પરંતુ છાણી STPમાંથી દૂષિત પાણી છોડાતું રહેતા આ દાવા પોકળ સાબિત થયા છે. પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા વ્યર્થ વેડફાઈ રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે.
વિશ્વામિત્રી નદી વડોદરાની જીવાદોરી સમાન છે. તેમાં મગર સહિત અનેક જળચર જીવો વસે છે. કેમિકલયુક્ત અને ટ્રીટ ન કરાયેલું પાણી નદીમાં ભળતાં પાણી ઝેરી બનતું જાય છે, જે જળચર જીવન માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
સ્થાનિક રહીશો અને પર્યાવરણપ્રેમીઓએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની, તેમજ તાત્કાલિક ધોરણે ટ્રીટ ન કરાયેલું પાણી નદીમાં છોડવાનું બંધ કરવાની માંગ ઉઠાવી છે. જો સ્થિતિમાં સુધારો નહીં આવે તો જનઆંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
: રોગચાળાની દહેશત અને સ્થાનિકોની હાલાકી
છાણી વિસ્તારના સુએજ પમ્પિંગ સ્ટેશન આસપાસના રહીશો લાંબા સમયથી નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર છે.
દુર્ગંધનું સામ્રાજ્ય: ટ્રીટ ન કરાયેલું પાણી ખુલ્લેઆમ છોડાતા સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે.
બીમારીનો ભય: દૂષિત પાણીથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે.
અધિકારીઓનો લૂલો બચાવ: રજૂઆતો છતાં અધિકારીઓ “પાછળથી પાણીનો પ્રવાહ વધુ હોવાથી છોડવું પડે છે” જેવા બહાનાં આપે છે.
👉 હવે પ્રશ્ન એ છે કે—વિશ્વામિત્રીને બચાવવાની વાતો કરતું તંત્ર પોતાની જ જવાબદારી ક્યારે સ્વીકારશે?

Most Popular

To Top