ઈકો ગાડી 30–40 ફૂટ ફંગોળાઈ ખાડામાં પડી
પ્રતિનિધિ, ગોધરા | તા. 23
પંચમહાલ જિલ્લાના નાડા ગામ પાસે આવેલ બાયપાસ રોડ પર આજે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો ગાડીના ચાલકે ઈકો કારને અડફેટે લેતા અકસ્માત એટલો ગંભીર બન્યો કે ઈકો ગાડી અંદાજે 30થી 40 ફૂટ ફંગોળાઈ રોડની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં પડી ગઈ હતી. આ ઘટનામાં ઈકો ગાડીમાં સવાર 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
અકસ્માત થતાં જ સ્થાનિક લોકો દોડી આવી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ શહેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ઈજાઓ ગંભીર હોવાના કારણે ફરજ પરના તબીબોએ તમામને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા.
બનાવની જાણ થતા જ શહેરાના પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્તોની પૂછપરછ સાથે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર ઇજાગ્રસ્તોના નામ નીચે મુજબ છે:
બામણીયા જયદીપસિંહ અભેસિંહ
ડાભી રણજીતસિંહ લક્ષ્મણસિંહ
ખાટ ગણપતસિંહ અમરસિંહ
ભાભોર સંગીતભાઈ નરવતભાઈ
ડાભી ભુપતસિંહ કાળુભાઈ
ખાટ જશવંતસિંહ પુજાભાઈ
અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.