ગુજરાતમાં કોરોના(CORONA)નો પહેલો કેસ નોંધાયાને એક થયું હોય અને વેક્સીન પણ આવી ગઈ હોવા છતાં એક વર્ષ બાદ પણ સ્થિતિમાં કોઈ ખાસ સુધારો આવ્યો નથી. હાલ દર કલાકે ગુજરાતમાં 46 લોકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી (CM) વિજય રૂપાણીએ કહ્યું કે, હવે કોરોના મામલે લોકોને બિનજરૂરી હેરફેર નહિ ચાલે. જો કે લોકડાઉનની વાત નકારતા તેમણે કહ્યું કે, લોકડાઉન (LOCK DOWN) નહિ આવે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં રાજ્યમાં કોરોના વાયરસના કેસ 300થી નીચે આવી ગયા હતા. જે બાદમાં લોકો બેફિકર બની ગયા હતા. કોરોનાના નિયમોનું પાલન ઓછું થયું હતું. આ જ કારણે હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, પહેલા વ્યવસ્થાઓ હતી, તે રીતે જ બેડ તૈયાર છે. કેસ વધે તેની સરખામણીમાં છ ગણા બેડ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. ખાનગી હોસ્પિટલમાં પણ બેડ ઉપલબ્ધ કરાવવા કહ્યું છે. ખાનગી હોસ્પિટલમાં આવશ્યકતા મુજબ વ્યવસ્થા કરીશું. રાજ્યમાં દરરોજ 60 હજાર ટેસ્ટિંગનો લક્ષ્યાંક ગુજરાતે પાર તો પાડ્યો છે. પણ ટેસ્ટિંગની સાથે સાથે ટ્રેસિંગ પણ વધારવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએજણાવ્યું હતું કે, કોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન થાય તે માટે ગૃહ અને આરોગ્ય વિભાગને કડક પગલા લેવાની સૂચના આપી દેવામાં આવી છે. સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. એસઓપીનું ભંગ ન થાય તે જોવાશે. પણ હાલ લોકડાઉનની વાત નથી. ભૂતકાળમાં કર્યું હતું, પણ હાલ લોકડાઉન નહિ લગાવાય. શાળા-કોલેજ ચાલુ રાખવા કે નહિ તે નિર્ણય આગામી સમયમાં લેવાશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે પગલાં લેવાની સૂચના આપવાની સાથે સાથે વેક્સીનેશન વધારવાની વાત કરી છે. હાલ ગુજરાતમાં દરરોજ ત્રણ લાખ લોકોનું વેક્સીનેશન થઈ રહ્યું છે. આ ક્ષમતા બે ગણી કરવામાં આવશે. સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં કોરોનાના કેસ વધ્યા છે. માસ્કના નિયમનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે. આ ઉપરાંત જે જગ્યાએ લોકો વધારે એકઠા થાય છે ત્યારે ભીડને નિયંત્રિત કરવા માટે પગલાં ભરવામાં આવશે. રાજ્યમાં ફરથી લૉકડાઉન લગાવવાની કોઈ વાત નથી.